મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાવાઈરસ રોગચાળો ઉગ્ર બન્યો છે ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન અને શિવસેના પાર્ટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સરકારી અધિકારીઓને આદેશ આપ્યો છે કે સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવા માટેનો પ્લાન તૈયાર કરે. પરંતુ, રાજ્યની મહાવિકાસ આઘાડી સંયુક્ત સરકારમાં શિવસેનાની ભાગીદાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને મુખ્ય વિરોધ પક્ષ ભારતીય જનતા પાર્ટીએ લોકડાઉન લાગુ કરાય એ સામે વિરોધ કર્યો છે. આ બંને પાર્ટીનું કહેવું છે કે લોકડાઉન એ કોઈ ઉકેલ નથી. જોકે, રાજ્યના ઔરંગાબાદ શહેર-જિલ્લામાં આજથી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, જે 8 એપ્રિલ સુધી અમલમાં રહેશે.
મહારાષ્ટ્રમાં ગઈ કાલે એક જ દિવસમાં કોરોનાવાઈરસના નવા 31,643 કેસ નોંધાયા હતા. એ પહેલાં શનિવારે 40,000થી વધારે કેસ નોંધાયા હતા. આ સાથે, રાજ્યમાં કોરોનાગ્રસ્ત દર્દીઓનો આંકડો વધીને 27,45,518 થયો છે. એનસીપીના નેતા અને રાજ્યના પ્રધાન નવાબ મલિકે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે રાજ્યને હવે બીજું લોકડાઉન પરવડશે નહીં. એમણે મુખ્ય પ્રધાન ઠાકરેને અપીલ કરી છે કે પરિસ્થિતિનો સામનો કરવા માટે લોકડાઉનને બદલે અન્ય વિકલ્પ અજમાવવા જોઈએ. એવી જ રીતે, ભાજપના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ ચંદ્રકાંત પાટીલે પણ કહ્યું છે કે કોરોનાના વધી ગયેલા કેસની સ્થિતિ સામે લોકડાઉન એ કંઈ ઉપાય નથી. માત્ર રાજકીય પક્ષો જ નહીં, પણ અસંગઠિત ક્ષેત્રોના તમામ વેપારીઓ અને કામદારો પણ ફરી લોકડાઉનનો વિરોધ કરશે.