મુંબઈ/નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સરકારમાં ત્રણમાંના એક પક્ષ – શિવસેનાના રાજ્યસભાના સદસ્ય સંજય રાઉતે આજે રાજ્યસભા ગૃહમાં એવો આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર સરકાર મહારાષ્ટ્રને આપવાના બાકી નીકળતા રૂ. 25,000 કરોડ આપવા તૈયાર નથી. આ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર કોરોના વાઈરસના ફેલાવા સામે કેવી રીતે લડે? એવો સવાલ પણ રાઉતે કર્યો.
કોરોના વાઈરસ સામે જંગ વિષય પર રાજ્યસભામાં હાથ ધરાયેલી ચર્ચામાં પોતાની રજૂઆત કરતાં રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રમાં અમે બિન-ભાજપ સરકાર બનાવી છે તો શું એ લોકશાહીમાં ગુનો થઈ ગયો? મહારાષ્ટ્રએ કેન્દ્ર પાસેથી જીએસટી મામલે પૈસા લેવાના નીકળે છે અને કેન્દ્ર એ આપવા તૈયાર નથી. અમે કોરોના સામે કેવી રીતે લડીએ, લોકોના જાન કેવી રીતે બચાવીએ?
રાઉતે કહ્યું કે, ‘કોરોના સામેના જંગને રાજકીય સ્વરૂપ આપવું ન જોઈએ. આ લોકોના જાનનો સવાલ છે. મહારાષ્ટ્રમાં રાજ્ય સરકાર કોરોના રોગચાળાના ફેલાવાને રોકવામાં સફળ થઈ છે. ધારાવી અને વરલી કોલીવાડા જેવા ગીચ વિસ્તારોમાં પણ કોરોના બીમારી હવે નિયંત્રણમાં આવી ગઈ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ રાજ્ય સરકારની કામગીરીની પ્રશંસા કરી છે. હજારો લોકો સાજા થઈ ગયા છે. આ કંઈ ભાભીજીના પાપડ ખાવાથી નથી થયું.’ દેખીતી રીતે જ, રાઉતનો કટાક્ષપ્રહાર ભાજપના કેન્દ્રીય પ્રધાન અર્જૂન મેઘવાળ પર હતો, જેમણે ગયા જુલાઈમાં ભાભીજી બ્રાન્ડના પાપડ લોન્ચ કરીને એવો દાવો કર્યો હતો કે આ પાપડ ખાવાથી શરીરમાં કોરોનાવાઈરસ સામે એન્ટી-બોડીઝ ડેવલપ થાય છે.
મજાની વાત એ છે કે ખુદ અર્જૂન મેઘવાળ બાદમાં કોરોના બીમારીમાં પટકાયા હતા.