મુંબઈઃ ખાનગી હોસ્પિટલોને કોરોનાવાઈરસનો શિકાર બનેલા દર્દીઓને વધુપડતો ચાર્જ કરતી રોક્યા બાદ મહારાષ્ટ્ર સરકારે આજે એક નવું નોટિફિકેશન બહાર પાડ્યું છે જેમાં તેણે બ્લેક ફંગસ બીમારીનો શિકાર બનેલા દર્દીઓને ચાર્જ કરાનાર દર હોસ્પિટલો માટે નક્કી કરી દીધા છે.
રાજ્ય સરકારે શહેરોના લોકેશનના આધારે – ક્લાસ A અને ક્લાસ B અથવા C – એવા વર્ગો પાડીને હોસ્પિટલો માટે દર નક્કી કર્યા છે. શહેરોને વીમા પ્રીમિયમો તથા બીજા અનેક પ્રકારના ભથ્થાંના આધારે કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં દર્દીઓ માટે સારવારનો ખર્ચ ઓછો રહેશે. બ્લેક ફંગસ અથવા મ્યૂકોરમાઈકોસીસ એ કોરોનાવાઈરસ (કોવિડ-19) રોગનો જ એક પ્રકાર છે, જેમાં અદ્યતન સારવારની જરૂર પડે છે. મેડિકલ મેનેજમેન્ટ તથા સર્જરી, બંનેમાં ઘણો ખર્ચ થાય છે. આમાં દર્દીને હોસ્પિટલમાં લાંબો સમય સુધી રહેવાની ફરજ પડે છે.
A-ક્લાસ શહેરોમાંની હોસ્પિટલો દર્દીને પ્રતિ દિવસ રૂ. 4000નો ચાર્જ કરી શકશે જ્યારે B-ક્લાસ શહેરો માટે રૂ. 3000 અને C-ક્લાસ શહેરોમાંની હોસ્પિટલો માટે રૂ. 2,400 ચાર્જ નક્કી કરી દેવાયો છે. આ ચાર્જમાં જરૂરી સારવાર, નર્સિંગ, પરીક્ષણો, દવાઓ, પથારીનો ખર્ચ તથા ભોજન ખર્ચ સામેલ છે. કોવિડ ટેસ્ટનો ખર્ચ પણ નક્કી કરી દેવામાં આવેલો છે. માત્ર મોટી ટેસ્ટ કે વધારે મોંઘી દવાઓને જ આમાંથી બાકાત રખાઈ છે.
A-ક્લાસ શહેરોની હોસ્પિટલો દર્દીને પ્રતિ દિવસ વેન્ટીલેટર અને આઈસોલેશન સહિત આઈસીયૂ માટે રૂ. 9000, B-ક્લાસ શહેરોમાં રૂ. 6,700 અને C-ક્લાસ શહેરોમાં રૂ. 5,400નો ચાર્જ નક્કી કરી દેવામાં આવ્યો છે. માત્ર આઈસીયૂ અને આઈસોલેશન માટેનો ચાર્જ ત્રણેય પ્રકારના શહેરોની હોસ્પિટલો માટે અનુક્રમે રૂ. 7,500, રૂ. 5,500 અને રૂ. 4,500 નક્કી કરી દેવામાં આવ્યો છે. મુંબઈ અને મુંબઈ મેટ્રોપોલિટન એરિયા (ભિવંડી અને વસઈ-વિરારને બાદ કરતાં)ને ક્લાસ-Aમાં સામેલ કરવામાં આવ્યા છે.