મુંબઈમાં ‘રેડ ઝોન’માં શરાબ વેચવાની છૂટ; ‘કન્ટેનમેન્ટ’ વિસ્તારોમાં નહીં

મુંબઈઃ કોરોના વાઈરસ સામેના જંગમાં લાગુ કરાયેલા લોકડાઉન-3 દરમિયાન મહારાષ્ટ્ર સરકારે આજે એક મોટો નિર્ણય લીધો છે.

સરકારે એક નિયમમાં ફેરફાર કરીને ‘રેડ ઝોન’માં જ અમુક બિન-આવશ્યક દુકાનોને ખોલવાની પરવાનગી આપી છે. તે મુજબ, હવે મુંબઈ, પુણેમાં વાઈન શોપ શરૂ કરી શકાશે. પરંતુ, શોપિંગ મોલ્સ, હોટેલ્સ, રેસ્ટોરન્ટ્માં શરાબ નહીં મળે. તેમજ રાજ્યના 1000 ઘોષિત કરવામાં આવેલા ‘કન્ટેનમેન્ટ’ વિસ્તારોમાં શરાબની દુકાનો ખોલી નહીં શકાય, એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન કાર્યાલયના સિનિયર આઈએએસ અધિકારી ભૂષણ ગગરાનીએ જણાવ્યું છે.

આ પૂર્વે, રેડ ઝોનમાં જીવનાવશ્યક ચીજવસ્તુઓને બાદ કરતાં બીજી કોઈ પણ ચીજના વેચાણની પરવાનગી અપાઈ નહોતી.

હવે સરકારે નિયમમાં ઢીલ મૂકી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી મહારાષ્ટ્રમાં ઝોન અનુસાર જિલ્લાઓની યાદી બહાર પાડવામાં આવી હતી.

ત્યારબાદ મહારાષ્ટ્ર રાજ્ય સરકારે પણ ઝોન મુજબ જિલ્લાઓની યાદી બહાર પાડી હતી.

આ ઝોનમાં કઈ ચીજવસ્તુઓ અને સેવાઓ વેચી શકાશે એની જાણકારી આપતી એક યાદી શનિવારે બહાર પાડવામાં આવી હતી. હવે એ નિયમોમાં રાજ્ય સરકારે અમુક છૂટછાટ આપી છે. તે અનુસાર, હવે રેડ ઝોનમાંના કન્ટેનમેન્ટ વિસ્તારોને બાદ કરતાં અન્ય ભાગોમાં બિન-આવશ્યક દુકાનોને ખુલ્લી રાખવાની પરવાનગી આપવામાં આવી છે.

શું છે આ નવા નિયમમાં…

  • રેડ ઝોનમાં કન્ટેનમેન્ટ વિસ્તારોને બાદ કરતાં અન્ય ભાગોમાં બિન-આવશ્યક દુકાનોને ખુલ્લી રાખવાની પરવાનગી
  • સ્પા, હેર કટિંગ સલૂન વિશે હજી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી
  • એક ગલીમાં માત્ર પાંચ દુકાનો જ ખુલ્લી રાખવાની પરવાનગી આપવામાં આવી છે
  • રાજ્યમાં મુંબઈ, પુણે શહેરોમાં વાઈન શોપ શરૂ કરી શકાશે
  • તમામ દુકાનદાર અને ગ્રાહકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોનું પાલન કરવું પડશે
  • મોલ્સ, હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સમાં દારૂ વેચી શકાશે નહીં
  • અત્યાવશ્યક દુકાનો ખુલ્લી જ રાખી શકાશે, એ બાબતમાં કોઈ ફેરફાર કરાયો નથી.