કશ્મીર એન્કાઉન્ટરમાં ભારતે બાહોશ કર્નલ-મેજર સહિત પાંચ જવાન ગુમાવ્યા

નવી દિલ્હીઃ જમ્મુ અને કશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશના હંદવાડા ખાતે થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર હૈદરને ઠાર કર્યો છે. આતંકવાદી હૈદર પાકિસ્તાનનો રહેવાસી હતો. પરંતુ, ગઈ કાલે સાંજથી ઉત્તર કાશ્મીરના હંદવાડામાં ચાલી રહેલા એન્કાઉન્ટરની નિરાશાજનક બાબત એ છે કે એમાં એક કર્નલ, એક મેજર અને બે જવાન સહિત પાંચ જણ શહીદ થયા છે. શહીદ થયેલાઓમાં જમ્મુ-કાશ્મીર પોલીસના એક સબ-ઇન્સ્પેક્ટર પણ સામેલ છે.

પાંચ-છ આતંકવાદી છુપાયા હોવાની સૂચના

છંગમુલ્લા વિસ્તારમાં પાંચ-છ આતંકવાદીઓ છુપાયા હોવાની સૂચના હતી. પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીરમાંથી 24 એપ્રિલથી આતંકવાદીઓની ઘૂસણખોરી ચાલુ હતી. એ પછી સુરક્ષા દળોએ તપાસ ઝુંબેશ આદરી હતી. સુરક્ષા દળો અને ત્રાસવાદીઓ વચ્ચે આ ત્રીજી અથડામણ હતી. આ વિસ્તારમાં મોબાઇલ ઇન્ટનેટ સેવા બંધ કરવામાં આવી છે.

આશુતોષ શર્માથી આતંકવાદીઓ થરથર કાંપતા

સુરક્ષા દળો અને આતંકવાદી વચ્ચેની અથડામણમાં એક કર્નલ, એક મેજર, એક પોલીસ અધિકારી સહિત પાંચ જવાન શહીદ થયાં હતા. આ ઓપરોશનમાં બે આતંકવાદી પણ માર્યા ગયા હતા. આ એન્કાઉન્ટરમાં શહીદ થયેલા જવાનોમાં કર્નલ આશુતોષ શર્માનું નામ સામેલ છે, જેમની આગેવાનીમાં સુરક્ષા દળોએ આતંકવાદીઓની સામે અનેક ઓપરેશનો પાર પાડ્યાં હતાં. કર્નલ આશુતોષ શર્માની બહાદુરી એવી હતી કે તેમના નામે આતંકવાદીઓ થરથર કાંપતા હતા. 21-રાષ્ટ્રીય યુનિટના કમાન્ડિંગ ઓફિસર રહેલા કર્નલ આશુતોષ શર્માને તેમના આંતકવિરોધી ઓપરેશનોમાં સાહસ અને વીરતા માટે બે વાર વીરતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. છેલ્લા પાંચ વર્ષમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં જીવ ગુમાવવો પડ્યો હોય એવા શહીદ આશુતોષ શર્મા રેન્કના પહેલા કમાન્ડિંગ અધિકારી છે. એમના પરિવારમાં એમના પત્ની અને 12 વર્ષની દીકરી છે.

સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે શ્રદ્ધાંજલિ આપી

હંદવાડામાં આતંકવાદીવિરોધી ઓપરેશનમાં બે લશ્કરી અધિકારી સહિત પાંચ જવાન શહીદ થતાં સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે શોક વ્યક્ત કરતાં કહ્યું હતું કે, આપણા સુરક્ષા જવાનોની આ ખોટ બહુ પરેશાન કરનારી અને દર્દભરી છે. તેમણે આતંકવાદીઓ સામે અદમ્ય સાહસ બતાવ્યું હતું. દેશ સેવામાં મોટું બલિદાન આપ્યું છે. દેશ તેમની બહાદુરી અને સંઘર્ષને ક્યારેય નહીં ભૂલે.

રાજનાથ સિંહે શહીદ જવાનોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે દેશ શહીદોના પરિવારોની પડખે ઊભો છે.