ભારતીય ભાષાઓને પ્રગતિવાન બનાવવા રાજ્યપાલ કોશિયારીનો અનુરોધ

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ રાષ્ટ્રભાષા હિન્દી અને સંસ્કૃત ઉપરાંત તમામ ભારતીય ભાષાઓને પ્રગતિવાન બનાવવાનો અનુરોધ કરતાં કહ્યું છે કે ભારતીય સંસ્કૃતિનાં મૂળ વેદ અને ઉપનિષદમાં રહેલાં છે. રાજ્યપાલ કાંદિવલી એજ્યુકેશન સોસાયટી (કેઈએસ) સંચાલિત બી.કે. શ્રોફ કૉલેજ ઑફ આર્ટ્સ ઍન્ડ એમ.એચ. શ્રોફ કૉલેજ ઑફ કૉમર્સના કાર્યક્રમમાં મુખ્ય અતિથિપદેથી બોલી રહ્યા હતા.

શ્રોફ કૉલેજને આ પ્રસંગે વૈશ્વિક સંસ્થા ક્વૉકરેલી સિમન્સ તરફથી ‘ગોલ્ડ રૅટિંગ’ એનાયત કરવામાં આવ્યું હતું.

11મી એપ્રિલે કાંદિવલી પશ્ચિમમાં કૉલેજના પ્રાંગણમાં યોજિત પુરસ્કાર પ્રદાન સમારંભમાં કોશિયારીએ વધુમાં કહ્યું હતું કે કેઈએસે ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ શરૂ કર્યો એ પ્રશંસાને પાત્ર બાબત છે. તેમણે શ્રોફ કૉલેજના આચાર્યા ડૉ. લિલી ભૂષણ, ઉપાચાર્ય વી. એસ. કન્નન તથા સર્વે શિક્ષકોની કામગીરીને વધાવી હતી.

કાર્યક્રમના અધ્યક્ષપદે કેઈએસના પ્રમુખ સતીષ દત્તાણી હાજર રહ્યા હતા. આ પ્રસંગે ઉપપ્રમુખ મહેશ શાહ, માનદ્ સચિવ મહેશ ચંદારાણા, માનદ્ સંયુક્ત સચિવ રજનીકાંત ઘેલાણી તથા ખજાનચી નવીન સંપટ પણ ઉપસ્થિત રહ્યા હતા.

નોંધનીય છે કે ક્વૉકરેલી રૅન્કિંગનો પ્રારંભ 2004માં થયો હતો. આ રૅન્કિંગ પ્રાપ્ત કરનારી શ્રોફ કૉલેજ મહારાષ્ટ્રની પ્રથમ કૉલેજ છે. કૉલેજની ગુણવત્તા, સંસ્થામાં ઉપલબ્ધ સુવિધાઓ, શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ વિદ્યાર્થીઓને મળતી રોજગારની તક, સામાજિક વહીવટ, ઉત્કૃષ્ટ વહીવટ એ બધા માપદંડના આધારે સંસ્થાને ગોલ્ડ રૅન્કિંગ મળ્યું છે.