મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે કોરોના વાઈરસ મહાબીમારીનો ફેલાવો રોકવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉન નિયંત્રણોને 2021ની 31 જાન્યુઆરી સુધી લંબાવી દીધા છે. આ વિશેનો સર્ક્યૂલર ઈસ્યૂ પણ કરી દેવામાં આવ્યો છે. તેમાં જણાવાયું છે કે મહારાષ્ટ્ર રાજ્ય પર કોવિડ-19 વાઈરસના ફેલાવાનું જોખમ છે. તેથી વાઈરસના ફેલાવાને અંકુશમાં રાખવા અને એને રોકવા માટે ચોક્કસ તાકીદના પગલાં લેવા માટે રાજ્યભરમાં લોકડાઉનને 31 જાન્યુઆરી, 2021 સુધી લંબાવવામાં આવ્યું છે.
તમામ નિયમો અગાઉની જેમ જ અમલમાં રહેશે. જે પ્રવૃત્તિઓને છૂટ આપવામાં આવી છે તે ચાલુ જ રહેશે. રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ કહ્યું છે કે બ્રિટનમાં સૌથી પહેલા ધ્યાનમાં આવેલા નવા કોરોનાનો એક પણ કેસ હજી સુધી મહારાષ્ટ્રમાં નોંધાયો નથી અને સરકારની તે પરિસ્થિતિ પર ચાંપતી નજર છે.