ડેલ્ટા-પ્લસના કેસોમાં ઉછાળો આવતાં CM-ઠાકરેએ નાગરિકોને ચેતવ્યાં

મુંબઈઃ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના ફેલાવા, કોરોનાવાઈરસની સંભવિત ત્રીજી લહેર અને તહેવારોની મોસમની શરૂઆતને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ મોઢા પર માસ્ક પહેરવા, હાથ ધોતા રહેવા અને સોશિયલ અંતર જાળવવા સહિતના નિયમોનું બરાબર રીતે પાલન કરે. આવી અપીલ કરવા પાછળ મુખ્ય પ્રધાનનો હેતુ લોકોના ટોળા ન જામે તેમજ વાઈરસનો ચેપ ફેલાતો અટકે એ માટેનો છે.

‘બ્રેક ધ ચેન’ નામક વ્યવસ્થાને નવું સ્વરૂપ આપવા અને અમુક જિલ્લાઓને બાદ કરતાં રાજ્યમાં અન્યત્ર કોવિડ-19 નિયંત્રણોને હળવા કરવાના રાજ્ય સરકારના નિર્ણયનો ઠાકરેએ મજબૂત રીતે બચાવ પણ કર્યો છે. એમણે કહ્યું છે કે, ‘આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે નિયંત્રણોને હળવા બનાવવામાં આવ્યા છે, પણ સાથોસાથ, નાગરિકોના આરોગ્ય ઉપર તો સરકારનું ધ્યાન કેન્દ્રિત થયેલું જ છે. સરકાર વાઈરસના ફેલાવા સામે નાગરિકોને રક્ષણ આપવા માટે રસીકરણની ગતિને વધારવાના પ્રયાસો કરી રહી છે.’ વાઈરસને નાથવામાં નાગરિકો સરકારને સહકાર આપે એવી પોતાની અપીલનો ઠાકરેએ પુનરોચ્ચાર કર્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 5,07,52,443 ડોઝ આપવામાં આવી ચૂક્યા છે.