વીજળીના બિલમાં ઓચિંતો વધારોઃ અદાણી કંપનીથી નારાજ મુંબઈવાસીઓની ફરિયાદ વિશે તપાસ કરાશે

મુંબઈ – શહેરના ઉત્તર ભાગના ઉપનગરોમાં અદાણી ઈલેક્ટ્રિસિટી કંપની દ્વારા વીજળીના બીલની રકમમાં ઓચિંતો વધારો કર્યાની અનેક ફરિયાદો મળ્યા બાદ  મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ બાબતમાં તપાસ કરવાનો આદેશ આપ્યો છે.

ફડણવીસે એમના પ્રધાનમંડળના વીજ પુરવઠા ખાતાના પ્રધાન ચંદ્રશેખર બવનકુળેને કહ્યું છે કે તેઓ એક સમિતિની રચના કરે, જે છેલ્લા ત્રણ મહિનાનાં બિલોની ચકાસણી કરે અને બિલમાં ઓચિંતા થયેલા વધારા પાછળનું કારણ નક્કી કરે.

ઉલ્લેખનીય છે કે, અદાણી ગ્રુપની અદાણી ઈલેક્ટ્રિસિટી મુંબઈ લિમિટેડ કંપની મુંબઈના ઉપનગરોમાં વીજળી સપ્લાય કરે છે. એણે આ બિઝનેસ અનિલ અંબાણીની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાસેથી ખરીદ્યો છે. બિઝનેસ ખરીદ્યા બાદ અદાણીની કંપની તરફથી આવેલા વીજળીના બિલ વધારે પડતા ઊંચા આવ્યા હોવાની ગ્રાહકોએ ફરિયાદો કરી છે. ઘણા કિસ્સાઓમાં તો સપ્ટેંબર અને ઓક્ટોબરના મહિનાઓ માટે સામાન્ય રકમ કરતાં ડબલ રકમના બિલ આવ્યા છે.

ઉંચા બિલના મામલે સોશિયલ મિડિયા પર અદાણી વિરુદ્ધ એક ઝુંબેશ શરૂ થઈ છે. કોંગ્રેસ, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના જેવી પાર્ટીઓએ ઠેકઠેકાણે હોર્ડિંગ મૂકીને વિરોધ વ્યક્ત કર્યો છે અને નાગરિકોની ફરિયાદમાં સાથ પૂરાવ્યો છે.

આને પગલે શાસક ભારતીય જનતા પાર્ટીના મુંબઈ એકમના પ્રમુખ આશિષ શેલાર મુખ્ય પ્રધાન ફડણવીસને મળ્યા હતા અને એમને વિનંતી કરી હતી કે આ બાબતમાં તેઓ તપાસ કરાવે અને એક સમિતિની રચના કરે. તદુપરાંત રાજ્યના મીટરોલોજી વિભાગ દ્વારા ઓડિટિંગ પણ કરાવે.

ફડણવીસે શેલારની વિનંતીનો સ્વીકાર કરીને એમના ઊર્જા પ્રધાનને સૂચાન આપી છે કે તેઓ આ બાબતમાં સમિતિની રચના કરી તપાસ કરાવે અને પોતાને એ વિશેનો અહેવાલ સુપરત કરે.