મુંબઈમાં શરૂ કરાઈ ‘ભારત રત્ન અટલબિહારી વાજપેયી ઈન્ટરનેશનલ સ્કૂલ’

મુંબઈ – સ્વ. ભૂતપૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેયીની આજે 94મી જન્મજયંતી નિમિત્તે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મુંબઈમાં ‘ભારત રત્ન અટલબિહારી વાજપેયી ઈન્ટરનેશનલ સ્કૂલ’ લોન્ચ કરી છે.

આ શાળા મહારાષ્ટ્ર ઈન્ટરનેશનલ એજ્યૂકેશન બોર્ડ (MIEB) સંલગ્ન છે. શિક્ષણનું ઉચ્ચ સ્તર હાંસલ કરી શકાય એ ઉદ્દેશ્યથી મહારાષ્ટ્ર સરકારે MIEBની રચના કરી છે.

આ આંતરરાષ્ટ્રીય બોર્ડમાં શરૂઆતમાં 13 જિલ્લા પરિષદ શાળાઓ સંલગ્ન રહેશે અને અભ્યાસક્રમ માતૃભાષામાં રહેશે.

સ્કૂલના શુભારંભ પ્રસંગે ફડણવીસ ઉપરાંત કેન્દ્રના માનવ સંસાધન વિકાસ પ્રધાન પ્રકાશ જાવડેકર, રાજ્યના પ્રધાનો વિનોદ તાવડે, પંકજા મુંડે, જાણીતા કમ્પ્યુટર સાયન્ટિસ્ટ ડો. વિજય ભાટકર પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

વાજપેયી આ જ વર્ષની 16 ઓગસ્ટે લાંબી બીમારીને લીધે અવસાન પામ્યા હતા.

ફડણવીસે સ્કૂલ લોન્ચ પ્રસંગે કહ્યું હતું કે અટલજીએ દેશના તમામ ક્ષેત્રો, ખાસ કરીને શિક્ષણમાં આપણો વિકાસ દર વધે એ માટે કામ કર્યું હતું. તેઓ હંમેશાં એવો આગ્રહ રાખતા હતા કે ગ્રામિણ ભારતમાં પણ આંતરરાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ મળવું જોઈએ. દેશમાં, આ બાબતમાં મહારાષ્ટ્ર રાજ્યએ 13મા સ્થાનેથી ત્રીજા સ્થાને છલાંગ મારી છે. મહારાષ્ટ્રમાં, ફડણવીસની સરકારે એ જ યંત્રણા, એ જ શિક્ષકગણ તથા એ જ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મદદથી, પણ નવા ઉકેલો સાથે શિક્ષણ સ્તરમાં સુધારો લાવી બતાવ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]