‘એકનાથ શિંદે જ CM તરીકે ચાલુ રહેશે’: મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખની જાહેરાત

મુંબઈઃ ભારતીય જનતા પાર્ટીના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળેએ કહ્યું છે કે રાજ્યમાં એકનાથ શિંદેના મુખ્યપ્રધાન પદ વિશે વિરોધપક્ષો ગૂંચવણ ઊભી કરી રહ્યા છે, પરંતુ રાજ્યના સીએમ પદે શિંદે જ ચાલુ રહેશે.

બાવનકુળેએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, દેવેન્દ્ર ફડણવીસ સહિત અમારા તમામ વરિષ્ઠ નેતાઓએ કહી દીધું છે કે મુખ્ય પ્રધાન તરીકે એકનાથ શિંદે જ યથાવત્ રહેશે. એ રાજ્યમાં સરસ કામગીરી બજાવી રહ્યા છે. વિરોધપક્ષો નાહકની ગૂંચવણ પેદા કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)માં બળવો કરીને શિવસેના-ભાજપ ગઠબંધનની શિંદે સરકાર સાથે જોડાઈ ગયેલા અજિત પવાર એવું બોલ્યા હોવાનું મનાય છે કે, તેઓ રાજ્યના મુખ્ય પ્રધાન બનવા માગે છે. શિંદે સરકારે અજિત પવારને નાયબ મુખ્ય પ્રધાન બનાવ્યા છે. મહારાષ્ટ્રમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત છે. સાથોસાથ, લોકસભાની ચૂંટણી પણ નિશ્ચિત છે.