મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના ઉપક્રમે ‘ભવાઈ’ ની આ રવિવારે રજૂઆત

૧૪મી સદીમાં ઊંઝાના અસાઈત ઠાકરે ભવાઈની પરંપરાનો પ્રારંભ કર્યો હતો. અસાઈત ઠાકરે અનેક વેશ લખ્યા હતા જેમાંના ૬૦ જેટલા હાલ ઉપલબ્ધ છે. ભવાઈથી આજની પેઢી અપરિચિત છે એમને આ ભવ્ય પરંપરાથી પરિચિત કરાવવાનું બીડું મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ ઝડપ્યું છે.

વરિષ્ઠ રંગકર્મી ઉત્કર્ષ મઝુમદાર, દાયકાઓથી ભવાઈને રંગલાલ નાયક તથા ઘનશ્યામ નાયક સાથે જીવંત રાખનાર લીલી પટેલ, ઘનશ્યામ નાયકના પુત્ર વિકાસ નાયક તથા અમદાવાદથી ખાસ આ કાર્યક્રમ માટે મુંબઈ આવી રહેલા અર્ચન ત્રિવેદી ભવાઈની રજૂઆત કરશે. દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ દ્વારા પણ ભવાઈની પરંપરાનો દર્શકોને પરિચય કરાવવામાં આવશે જે માટે કવિ તથા રંગકર્મી સતીશ વ્યાસનો સહયોગ મળ્યો છે.

હુસૈની દવાવાલાએ પણ ભવાઈની નાની સ્કીટ તૈયાર કરી છે જે યુવાન અભિનેતાઓ દેવ જોશી, માનસી પંડ્યા, પ્રિયંક પટેલ અને હર્ષ જોશી રજૂ કરશે. સમગ્ર રીતે જોઈએ તો દર્શકો માટે આ કાર્યક્રમ એક વિશેષ જલસો છે.

આ કાર્યક્રમનું સંકલન સંજય પંડ્યાએ કર્યું છે અને પરિકલ્પના નિરંજન પંડ્યાની છે . સાબરકાંઠા વિકાસ પરિષદ અને બારિશી નેટવર્ક સહયોગી સંસ્થા છે.આ કાર્યક્રમ ૪ ફેબ્રુઆરી રવિવાર સાંજે ૬.૩૦ વાગ્યે સારસ્વત વાડી, બીજા માળે, ઝવેર રોડ, મુલુંડ પશ્ચિમના સરનામે યોજાયો છે અને સહુને જાહેર નિમંત્રણ છે. જરૂર પહોંચી જજો!