મુંબઈઃ શહેરના પૂર્વ ભાગમાં આવેલા મુલુંડ ઉપનગરમાં એક હાઉસિંગ સોસાયટીમાં એક મરાઠી મહિલાને ઓફિસ સ્પેસ ખરીદવાનો ઈનકાર કરવાના મુદ્દે હોબાળો મચી ગયો છે. એને કારણે રાજકીય પ્રત્યાઘાતો પણ આવ્યા છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીના વડા રાજ ઠાકરે એકદમ આક્રમક થઈ ગયા છે અને કહ્યું છે કે, ‘મહારાષ્ટ્રમાં જો આવું ફરીવાર બન્યું તો આક્રોશ થશે એ નિશ્ચિત છે. આવા વર્તનને જરાય સાંખી લેવામાં નહીં આવે. આવા લોકો પર સરકારની પણ ધાક હોવી જોઈએ.’ ઠાકરેએ એમની પાર્ટીના કાર્યકરોને આવાહન આપ્યું છે કે, ‘જ્યાં પણ તમને મરાઠીઓ સાથે આવો અન્યાય થતો દેખાય ત્યાં જઈને એમને લાત મારજો.’
તૃપ્તિ દેવરુખકર-એકબોટે નામની મહિલાએ એમની સાથે થયેલા બનાવ વિશે રાજ ઠાકરે અને એમના પત્ની શર્મિલા તથા પાર્ટીના અન્ય નેતાઓને મળીને જાણ કર્યા બાદ આ મામલો ચગ્યો છે. આ બનાવ મુલુંડની શિવસદન સોસાયટીનો છે. રાજ ઠાકરેના આદેશ બાદ જ્યારે મનસે પાર્ટીના કાર્યકર્તાઓ તે હાઉસિંગ સોસાયટીમાં ગયા હતા અને એમની સ્ટાઈલ હસ્તક્ષેપ કર્યો હતો. તે મકાનના પ્રવીણ ઠક્કર નામના સેક્રેટરીએ તરત જ માફી માગી લીધી હતી. એમને તરત જ સેક્રેટરી પદ પરથી હટાવી લેવામાં આવ્યા હતા.
કોંગ્રેસના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ નાના પટોલે, શિવસેના-યૂબીટીના આદિત્ય ઠાકરે અને સુષમા અંધારે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના મહામંત્રી જિતેન્દ્ર આવ્હાડ, મનસેના પ્રવક્તા સંદીપ દેશપાંડે તથા અન્ય નેતાઓએ તૃપ્તિ દેવરૂખકર-એકબોટે સાથે કરાયેલા વર્તનને વખોડી કાઢ્યું છે.
મુલુંડ ઉપનગરના પોલીસ સ્ટેશને પણ પ્રવીણ ઠક્કર અને એમના પુત્ર નિલેશ સામે ફરિયાદ નોંધી એમને અટકાયતમાં લીધા હતા.
મરાઠી હોવાને કારણે શિવસદન સોસાયટીમાં પોતાને ઓફિસ સ્પેસ આપવાનો ઈનકાર કરાયા બાદ તૃપ્તિએ રડીને પોતાની આપવીતી જણાવતો વિડિયો સોશિયલ મીડિયા પર રિલીઝ કર્યો હતો. તેણે કહ્યું કે સેક્રેટરીએ તેને એમ કહ્યું હતું કે આ સોસાયટીના નિયમો અનુસાર મરાઠી લોકોને અહીંયા પરવાનગી અપાતી નથી.