મુંબઈઃ દેશદ્રોહ તથા અન્ય આરોપોને લગતા કેસના સંબંધમાં સમન્સ મળ્યા બાદ બોલીવૂડ અભિનેત્રી કંગના રણોત તેની બહેન રંગોલી સાથે આજે મુંબઈ પોલીસ સમક્ષ હાજર થઈ હતી. બંને બહેન બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હતી. એમની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. કંગનાએ કેસના સંબંધમાં પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. બંને બહેનો પર આરોપ છે કે તેમણે મિડિયાના માધ્યમથી સાંપ્રદાયિક અસ્થિરતા અને નફરત પેદા કર્યાં છે. બંનેને સીઆરપીએફ જવાનોની ‘Y-પ્લસ’ કેટેગરીની સુરક્ષા હેઠળ પોલીસ સ્ટેશન પહોંચાડવામાં આવી હતી.
સાહિદ સઈદ નામના એક કાસ્ટિંગ ફિલ્મ ડાયરેક્ટરે નોંધાવેલી ફરિયાદને પગલે કંગના સામે પોલીસે એફઆઈઆર નોંધી હતી. બાન્દ્રાની મેજિસ્ટ્રેટ કોર્ટે રણોત બહેનો સામે એફઆઈઆર નોંધવાનો પોલીસને 2019ની 17 ઓક્ટોબરે આદેશ આપ્યો હતો. સઈદનો આરોપ છે કે કંગનાનાં ટ્વીટ્સ અને નિવેદનોને કારણે બોલીવૂડમાં ઘણું કોમી વૈમનસ્ય ઊભું થયું છે. એને કારણે પોતે કામ કરી શકતા નથી.
પોતાની સામેની ફરિયાદના સંદર્ભમાં કંગનાએ આ વિડિયો સોશિયલ મિડિયા પર શેર કર્યો છે.