મુંબઈઃ શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને કોંગ્રેસની સંયુક્ત સરકાર – મહારાષ્ટ્ર વિકાસ આઘાડી (એમવીએ) સરકારે તેનું પહેલું બજેટ આજે અહીં રાજ્ય વિધાનસભામાં રજૂ કર્યું. આ બજેટમાં કિસાનો માટે રાહતોની જાહેરાત કરવામાં આવી છે, પેટ્રોલ અને ડિઝલ પર પ્રતિ લીટર એક રૂપિયાનો VAT (વેલ્યૂ એડેડ ટેક્સ) વધારવામાં આવ્યો છે જ્યારે ઉદ્યોગો માટે વીજળી વપરાશ પરની ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
નાયબ મુખ્ય પ્રધાન અને નાણાં પ્રધાન તથા એનસીપીના નેતા અજીત પવારે બજેટ રજૂ કર્યું હતું. એમાં રૂ. 9,511 કરોડની મહેસૂલી ખાધ દર્શાવવામાં આવી છે અને વર્ષ 2020-21 માટે રૂ. 1,15,000 કરોડનો વાર્ષિક યોજના ખર્ચ બતાવવામાં આવ્યો છે.
બજેટમાં રૂ. 54618.38 કરોડની નાણાકીય ખાધનો અંદાજ બતાવવામાં આવ્યો છે.
મહાવિકાસ આઘાડીનું પ્રથમ બજેટ રજૂ કરતી વખતે પવારે કરવેરામાં રાહતોની પણ જાહેરાત કરી હતી.
મહાવિકાસ આઘાડી સરકારે તેના શાસનના 100 દિવસ પૂરા કરી લીધા છે.
સરકારે કરવેરામાં જે રાહત આપી છે એમાં સ્ટેમ્પ ડ્યૂટીમાં બે વર્ષ માટે 1 ટકાની રાહતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) તથા પુણે, પિંપરી-ચિંચવડ અને નાગપુર મહાનગરપાલિકાઓ અંતર્ગત આવતા વિસ્તારોમાં દસ્તાવેજોના રજિસ્ટ્રેશન પરના ચાર્જિસમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.
ઔદ્યોગિક વપરાશ માટેની વીજળી પરની ડ્યૂટીમાં પણ ઘટાડો કરાયો છે. 9.3 ટકાનો દર ઘટાડીને હવે 7.5 ટકા કરાયો છે.
અજીત પવારે કહ્યું કે સ્ટેમ્પ ડ્યૂટીમાં ઘટાડો કરવાથી હાલના આર્થિક મંદીના સમયગાલામાં રીયલ એસ્ટેટ સેક્ટરને ઉત્તેજન મળશે.
વીજળી ડ્યૂટીમાં ઘટાડો કરાવાથી મહારાષ્ટ્રમાં ઉદ્યોગોને બળ પ્રાપ્ત થશે.
કરવેરામાં રાહતો આપવાથી રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક રૂ. 2,500 કરોડનો આર્થિક બોજો આવશે.
એવી જ રીતે, પવારે પેટ્રોલ અને ડિઝલ પર પ્રતિ લીટર વેલ્યૂ એડેડ ટેક્સમાં 1 રૂપિયો વધારી દીધો છે. આ પગલાથી સરકારને રૂ. 1,800 કરોડની આવક થશે. સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ કાચા તેલની આંતરરાષ્ટ્રીય કિંમતની સમીક્ષા કર્યા બાદ દરરોજ પેટ્રોલ અને ડિઝલના ભાવ નક્કી કરતી હોય છે.
પવારે એવી આશા વ્યક્ત કરી છે કે આ બજેટને લીધે રાજ્યમાં રોજગારની તકો વધશે.
મહારાષ્ટ્રના બજેટના અમુક અંશઃ
- કિસાનોનું દેવું માફ કરવા માટે રૂ. 22,000 કરોડની ફાળવણી, કિસાનોનાં બેન્ક એકાઉન્ટમાં પૈસા અપાશે
- વર્ષ 2020-21 માટે કિસાનો માટે વધુ 7 હજાર કરોડની સહાયતાની જાહેરાત
- મહારાષ્ટ્રમાં સરકાર દ્વારા આવતા પાંચ વર્ષોમાં, દર વર્ષે 1 લાખ સૌર કૃષિ પંપ નાખવામાં આવશે
- નવી એમ્બ્યુલન્સની ખરીદી માટે રૂ. 25 કરોડની ફાળવણી
- વક્ફ બોર્ડ માટે રાજ્ય સરકાર ભંડોળ પૂરું પાડશે
- શિવભોજન કેન્દ્રોમાં ભોજન થાળીની સંખ્યાને વધારીને 500 કરવામાં આવશે
- 10 રૂપિયાની થાળી યોજનાનો વિસ્તાર કરવા માટે 300 કરોડની ફાળવણી
- તૃતિયપંથી લોકો એટલે કે ટ્રાન્સજેન્ડર લોકોના કલ્યાણ માટે એક સ્વતંત્ર વિભાગ બનાવવામાં આવશે
- અલ્પસંખ્યક લોકોના વિકાસ માટે રૂ. 550 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
- પર્યટનના વિકાસ માટે 1,400 કરોડની ફાળવણી
- પર્યટન પાઠ્યક્રમ માટે કોલેજોમાં ડિગ્રી અને ડિપ્લોમા કોર્સ શરૂ
- મણિભવનનું નૂતનીકરણ કરાશે, એ માટે સરકારે રૂ. 25 કરોડના ભંડોળની ફાળવણી કરી
- જળ સંસાધન વિભાગ માટે રૂ. 10 હજાર 35 કરોડની ફાળવણી
- એસ.ટી. નિગમ 1,600 નવી બસો ખરીદશે. મુંબઈ-બેંગલુરુ કોરિડોરમાં સતારાનો સમાવેશ કરાશે
- રાજ્ય સરકાર આગામી પાંચ વર્ષોમાં રાજ્યમાં મહિલાઓ માટે 21 હોસ્પિટલો અને 21 ઉપ-જિલ્લા હોસ્પિટલો શરૂ કરશે
- 10મું ધોરણ પાસ કરનાર બાળકો માટે નવીન મહારાષ્ટ્ર ટ્રેનિંગ યોજના શરૂ કરાશે
- 80 ટકા સ્થાનિક લોકોને નોકરી મળે એ માટે ટૂંક સમયમાં કાયદો ઘડાશે
- રાજ્યભરમાં પાંચ વર્ષમાં 50 કરોડ ઝાડ રોપવામાં આવશે
- પ્રાથમિક આરોગ્ય માટે પાંચ હજાર કરોડનું ભંડોળ
- મુંબઈમાં હાજી અલી દરગાહના વિકાસ માટે યોજના તૈયાર કરાશે
- મુંબઈના વરલી વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું પર્યાવરણ ભવન બનાવાશે
- પુણેમાં ઓલિમ્પિક ભવનનું નિર્માણ કરાશે