મુંબઈઃ કોરોના લોકડાઉન વખતે અનેક પરપ્રાંતિય મજૂરો, કામદારોને એમના વતન પહોંચવામાં મદદરૂપ થનાર બોલીવૂડ અભિનેતા સોનૂ સૂદને ગેરકાયદેસર હોટલ બાંધકામના કેસમાં મોટો ફટકો પડ્યો છે. તેણે મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી – બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન) સામે કરેલા કેસને મુંબઈ હાઈકોર્ટે ફગાવી દીધો છે. બીએમસી તરફથી સોનૂને નોટિસ મોકલવામાં આવી હતી કે તેણે વિલે પારલે (વેસ્ટ)માં એક રહેણાંક સોસાયટીમાં ગેરકાયદેસર રીતે હોટલ બાંધી છે. સોનૂએ તે નોટિસને રદબાતલ કરાવવા હાઈકોર્ટમાં કેસ કર્યો હતો, પણ હાઈકોર્ટે એની પીટિશન ફગાવી દીધી છે.
હવે હાઈકોર્ટના ચુકાદા બાદ BMC સોનૂની તે હોટલ તોડી પાડવા માટે સ્વતંત્ર છે. બીએમસીએ કોર્ટમાં સોગંદનામામાં જણાવ્યું હતું કે સોનૂ રીઢો ગુનેગાર છે. એ ગેરકાયદેસર રીતે પૈસા કમાવા માગે છે. એટલે એણે જરૂરી પરવાનગી મેળવ્યા વગર રહેણાક મકાનના એવા હિસ્સા પર ફરીથી હોટલ બાંધી હતી, જેને બીએમસી દ્વારા ધ્વસ્ત કરી દેવામાં આવ્યો હતો.