ભાજપ-શિવસેના વચ્ચે ગણેશોત્સવ પોસ્ટર-યુદ્ધ

મુંબઈઃ હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે અહીં શિવસેના અને ભારતીય જનતા પાર્ટી પોસ્ટર-યુદ્ધ ફાટી નીકળ્યું છે. અગાઉ, મહારાષ્ટ્ર મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના જૂથના સમર્થકોએ શિવસેનાના ગણેશોત્સવ પોસ્ટરો ફાડ્યા હતા. ત્યારબાદ હવે શિવસેનાની યુવા-પાંખ યુવાસેનાના કાર્યકર્તાઓએ આદિત્ય ઠાકરેના અત્રે વિધાનસભા મતવિસ્તાર વરલીમાં ભાજપના પોસ્ટર ફાડ્યાની ઘટના બની છે. આને કારણે તે વિસ્તારમાં તંગદિલી ઊભી થઈ છે. પોલીસ સતર્ક છે.

‘અમને હેરાન કરશો તો જડબાતોડ જવાબ આપીશું’ એવો ઈશારો યુવાસેનાએ શિંદે જૂથ અને ભાજપને કર્યો છે. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે શિંદે જૂથના સમર્થકોએ શિવસેના દ્વારા આયોજિત એક ગણેશોત્સવ મંડળના પોસ્ટર ફાડ્યા હતા. એને પગલે યુવાસેનાના સમર્થકોએ ગઈ કાલે વરલી વિસ્તારમાં શ્રીરામ મિલ બસ સ્ટોપ પર લગાડવામાં આવેલા ભાજપ આયોજિત ગણેશોત્સવના પોસ્ટર ફાડ્યા હતા. ભાજપના કાર્યકરોએ પમ શિવસેનાના પોસ્ટર ફાડ્યા હતા એવો આરોપ યુવાસેનાએ કર્યો છે.