મહિલાની મારપીટ કરનાર ‘મનસે’-પાર્ટીના 3 નેતાની અટક

મુંબઈઃ એક વૃદ્ધ મહિલાને થપ્પડ મારવા, એને ધક્કો મારીને જમીન પર પાડી દેવા બદલ અત્રે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ) પાર્ટીના સ્થાનિક નેતા વિનોદ અરગિલે અને પક્ષના બીજા બે કાર્યકર્તાને પોલીસે અટકમાં લીધા છે. મારપીટનો તે વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે. મનસેના નેતાની ધરપકડ કરવાની સોશ્યલ મીડિયા પર વ્યાપક માગણી થઈ છે.

તે પીડિત મહિલાનું નામ છે પ્રકાશદેવી. મારપીટની ઘટના મધ્ય મુંબઈના કમાઠીપુરા વિસ્તારમાં થઈ હતી. મનસે પાર્ટીના નેતા એક જાહેરખબરનું બેનર લગાડવા ભેગા થયા હતા, પણ તે મહિલાએ એની દુકાનની બહાર બેનર લગાડવાનો ઈનકાર કર્યો હતો. નાગપાડા પોલીસ સ્ટેશને વિનોદ અરગિલે, રાજુ અરગિલે અને સતિષ લાડ સામે આઈપીસીની કલમો હેઠળ એફઆઈઆર નોંધી છે – 323 (હુમલો), 506 (ક્રિમિનલ ધમકી) અને 509 (સ્ત્રીનું શીલ ભંગ કરવાના ઈરાદા સાથેની હરકત) કલમો હેઠળ ગુનો  નોંધવામાં આવ્યો છે. પોલીસે કહ્યું છે કે ત્રણેય આરોપીની અટક કરવામાં આવી હતી, ધરપકડ કરાઈ નથી. કેસમાં તપાસ ચાલુ છે.

તે મહિલાએ કહ્યું છે કે, ‘મેં એ લોકોને મારી દુકાનની બહાર બેનર લગાડવાની ના પાડી હતી અને કહ્યું હતું કે તેઓ બીજે ક્યાંક એ લગાડે… મારી સાથે થયો છે એવો વ્યવહાર બીજી કોઈ મહિલા સાથે થવો ન જોઈએ.’