સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિધાલય દ્વારા ‘ગુજરાતી દિવસ’ની ઉજવણી

મુંબઈઃ તાજેતરમાં વીર કવિ નર્મદના જન્મદિન, જેને આપણે ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ તરીકે ઉજવીએ છીએ, ત્યારે અત્રેના કાંદિવલી (વેસ્ટ) ઉપનગરમાં કેઈએસ સંસ્થા દ્વારા સંચાલિત શાળા સરદાર વલ્લ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પ્રભાતિયુંથી લઈને બાળગીત અને રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. શાળાનાં 268 વિદ્યાર્થીઓમાંથી કુલ 110 વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

કાર્યક્રમના મુખ્ય અતિથિ સ્થાને ઈસ્માઈલ યુસુફ કોલેજના સહાયક પ્રોફેસર, સંગીત વિશારદ હાર્દિક ભટ્ટએ હાજરી આપી હતી. અતિથિ વિશેષ તરીકે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી યાજ્ઞિક પીઠડીયાએ હાજરી આપી હતી. શ્રી સાઈ ટ્રસ્ટના ટ્રસ્ટી અનંતભાઈ અને વસંતભાઈ, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી, મુંબઈ ગુજરાતી સંગઠનના સ્થાપક અને અધ્યક્ષ ભાવેશભાઈ મહેતાએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. નિવૃત શિક્ષકોએ પણ ઉત્સાહપૂર્વક કાર્યક્રમને માણ્યો હતો. “હું દેશમાં અનેક જગ્યાએ ફર્યો છું, પરંતુ ગુજરાતી માધ્યમમાં ભણવાથી ક્યારેય ક્ષોભ કે સંકોચ અનુભવ્યો નથી,” એમ હાદિઁક ભટ્ટે જણાવ્યું હતું. વતન સાથે જોડાયેલા રહેવા માટે એમણે એક નવો વિચાર વહેતો મુક્યો હતો અને કહ્યું કે, વર્ષમાં એકવાર પોતાના ગામ-વતનની મુલાકાત લેવી જ જોઈએ. એ માટે બાળકોએ મા-બાપ પાસે જિદ્દ પણ કરવી જોઈએ.

શાળાનાં આચાર્યા ડૉ.સંગીતા શ્રીવાસ્તવે જણાવ્યું કે માતા પાસેથી શીખેલી ભાષા તે માતૃભાષા. માતૃભાષા થકી જ અભિમન્યુએ પણ માતાની ભાષામાં ગર્ભસંસ્કાર મેળવ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને આપણી ભવ્ય સંસ્કૃતિથી પણ પરિચિત કરાવ્યાં હતાં.

સમગ્ર કાર્યક્રમનું સૂત્ર સંચાલન પણ વિદ્યાર્થીઓએ જ કર્યું હતું. શાળાનાં શિક્ષિકા દિપ્તીબેન રાઠોડનાં માર્ગદર્શન હેઠળ જ શિક્ષકો અને વિદ્યાર્થીએ સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં ભાષા અને ગુજરાતી સંસ્કૃતિ બંનેને આવરી લેવામાં આવ્યા હતા.