મુંબઈ ગુજરાતી સંગઠનના ઉપક્રમે ઉજવાયો સરસ્વતી સન્માન સમારોહ–૨૦૨૨

મુંબઈઃ બે વર્ષના અંતરાલ બાદ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા આપણી માતૃભાષાની જીવંત શાળાઓ અને તેમાં ભણેલાં તેજસ્વી તારલાંઓને સન્માનિત કરવા ‘સરસ્વતી સન્માન સમારોહ–૨૦૨૨’નું આયોજન કરાયું હતું. આ ઉપક્રમમાં ધ કાંદિવલી એજ્યુકેશન સોસાયટી, ગુજરાતી વિચાર મંચ, શ્રી સાંઈ સાર્વજનિક ટ્રસ્ટ, જન્મભૂમિ દૈનિક અને મીટ ઇન્ડિયા ફાઉન્ડેશન સહયોગી સંસ્થા તરીકે જોડાયા હતા અને તેમના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ રવિવાર, તા.૨૮ ઑગસ્ટ, ૨૦૨૨ના રોજ બપોરે ૩.૦૦ કલાકથી કાંદિવલી પશ્ચિમની ટી.પી. ભાટિયા કૉલેજના પંચોલિયા સભાગૃહ ખાતે યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆત મા સરસ્વતીની પ્રાર્થના સાથે કરવામાં આવી સાથે જ અતિથિવિશેષ તરીકે હાજર તમામ વિદ્યાર્થીઓએ દીપપ્રજ્વલન કરી વિદ્યાદેવીમા સરસ્વતીને નમન કર્યા. કાર્યક્રમની શરૂઆતથી જ સ્વરકિન્નરી ગ્રુપ મુંબઈ – ભાનુભાઈ વોરા, તૃપ્તિ છાયા તથા અન્ય કલાકારોએ લોકપ્રિય ગરબા અને દાંડિયાની રમઝટ જમાવી, જેના રંગમાં હાજર સર્વ મહેમાનો રંગાયા. હાજર મહેમાનોનું સ્વાગત મુંબઈ ગુજરાતી સંગઠનની ટીમ દ્વારા સાંસ્કૃતિક પદ્ધતિ મુજબ અત્તર લગાવી, તિલક કરી અને મીઠાઈ ખવડાવી કરવામાં આવ્યું હતું. આ ભાવભર્યા સ્વાગતથી સૌકોઈ અભિભુત થયું હતું.

દર વર્ષની જેમ આ વર્ષે પણ એસ.એસ.સી. બોર્ડમાં ૧૦૦% પરિણામ મેળવનાર ૩૬ માતૃભાષાની શાળાઓનું સ્મૃતિચિન્હ અને પુસ્તક આપી બહુમાન કરવામાં આવ્યું. માતૃભાષાની શાળામાં પ્રથમ આવેલા ૬૭ વિદ્યાર્થીઓનું સ્મૃતિચિન્હ, રોકડ ઈનામ અને પુસ્તક આપી સન્માન કરાયું. તો માતૃભાષા ગુજરાતીમાં ૯૦ કે તેથી વધુ ગુણ મેળવનાર ૩૭ અને અંગ્રેજીમાં ૮૫ કે તેથી વધુ ગુણ મેળવનાર ૭૧ વિદ્યાર્થીઓનેરોકડ ઈનામ, પ્રશસ્તિપત્ર અને પુસ્તક આપી સન્માનિત કરાયા. 

ઉપરાંત ગુજરાતી માધ્યમની શાળાઓમાં બોર્ડમાં પ્રથમ અને દ્વિતીય આવનાર વિદ્યાર્થિનીઓનું પણ ચાંદીની લગડી (SVPVVના ૮૪-૮૫બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા), સ્મૃતિચિન્હ, રોકડ ઈનામ અને પુસ્તક સાથે તેમની સિદ્ધિ બદલ બિરદાવવામાં આવ્યા. સાથે જ ધોરણ ૧૨મા ગુજરાતી વિષયમાં સૌથી વધુ મેળવનાર ત્રણ વિદ્યાર્થિનીઓનું પણ રોકડ રકમ અને પુસ્તક સાથે સન્માન કરવામાં આવ્યું.

કાર્યક્રમમાં ઘાટકોપરની શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળાની વિદ્યાર્થિનીઓએ એકાત્મતા ગીત સાથે જ સંસ્કૃત ગીત પર સુંદર નૃત્ય રજૂ કર્યું હતું. કાર્યક્રમની એક વિશેષતા એ પણ રહી કે મુંબઈ ગુજરાતી સંગઠનની યુવાટીમ દ્વારા એક શેરી નાટક રજૂ કરવામાં આવ્યું. યુવાટીમે આ શેરી નાટકમાં વાલીઓને પોતાના બાળકોને માતૃભાષામાં શિક્ષણ આપવા આહ્વાન કર્યું. કાર્યક્રમમાં પૂના, નાશિક, દહાણુ અને સાંગલીથી પણ મહેમાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતિમ ચરણમાં યાદગીરીરૂપે હાજર વિદ્યાર્થીઓ સાથે ગ્રુપફોટો લેવામાં આવ્યો અને સૌએ ગર્વભેર રાષ્ટ્રગાન ગાઈ કાર્યક્રમનો પૂર્ણાહુતિ આપી.