‘ઝરૂખો’માં ‘મારી હુંડી સ્વીકારો… શામળા ગિરધારી’… કૃષ્ણગીત, કાવ્યોની રજૂઆત

મુંબઈઃ બાળકૃષ્ણ મનમોહક છે, પ્રાણપ્રિય છે, નટખટ છે. કિશોર વયના કૃષ્ણ ગોપસખાઓ સાથેની રમતોમાં મસ્ત છે.  ગોપીઓ સાથેની નિર્દોષ ધીંગામસ્તી દ્વારા કૃષ્ણે ફક્ત ગોપીઓને જ નહિ પણ‌ સમસ્ત ભારતવર્ષની કેટલીય પેઢીઓને રસતરબોળ કરી છે. વયસ્ક કૃષ્ણ યોગેશ્વર છે અને રાજનીતિમાં પારંગત પણ છે. આદિકવિ નરસિંહ મહેતાથી લઈને આજના આધુનિક કવિએ પણ કૃષ્ણની લીલાને તથા કૃષ્ણની જીવનદ્રષ્ટિને પોતાની રચનાઓમાં પ્રતિબિંબિત કરી છે.

(ડાબેથી જમણે) જ્હોની શાહ, રાજેશ રાજગોર, સંજય પંડ્યા

બોરીવલીની ‘ઝરૂખો’ સંસ્થાની સાહિત્યિક સાંજમાં ‘મારી હુંડી સ્વીકારો… શામળા ગિરધારી’ કાર્યક્રમમાં જાણીતા ગાયક અને સ્વરકાર જ્હોની શાહ ભક્ત કવિ નરસિંહ મહેતાના પ્રભાતિયાં તથા કૃષ્ણ ભક્તિનાં પદોનું ગાન કરશે . કવિ રાજેશ રાજગોર પોતાના નવા‌ પુસ્તક “શ્રી કૃષ્ણ ચરિતમ”માંથી કેટલીક રચનાઓનું પઠન કરશે. રાજેશ રાજગોરે તાજેતરમાં એક વિશિષ્ટ સર્જનકાર્ય પૂર્ણ કર્યું છે. એમણે શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંધને ગઝલના સ્વરૂપમાં ઢાળ્યો છે. કેઈએસ કોલેજની વિધાર્થિની ધાની ચારણ અને ભૂમિ જાપડિયા પણ‌ બે કૃષ્ણગીતોનાં ગાન કરશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા  શબ્દસેતુની ભૂમિકા કવિ સંજય પંડ્યાની છે.

૩ સપ્ટેમ્બર શનિવાર સાંજે ૭.૧૫ કલાકે આ જાહેર કાર્યક્રમ સાઈબાબા મંદિર, સાઈબાબા નગર, બોરીવલી પશ્ચિમના સરનામે યોજાયો છે. બેઠક વ્યવસ્થા વહેલો-તે-પહેલો ધોરણે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]