મુંબઈઃ જે લોકોએ કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસીના બંને ડોઝ લઈ લીધાં હોય એમને મુંબઈમાં ઉપનગરીય ટ્રેનોમાં પ્રવાસ કરવા દેવો જોઈએ એવી મહારાષ્ટ્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે તરફેણ કરી છે. ડો. સંજય ઓકની આગેવાની હેઠળની આ ટાસ્ક ફોર્સે ગઈ કાલે રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના અધ્યક્ષપદ હેઠળ મળેલી બેઠકમાં આ સૂચન કર્યું હતું.
પરંતુ રાજ્યના જાહેર આરોગ્ય વિભાગના અધિકારીઓ આ સૂચન સાથે સહમત થયા નથી. એમણે કહ્યું કે ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના ચેપનું જોખમ હજી ચાલુ છે અને કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના પણ વ્યક્ત કરાઈ છે તેથી હાલ લોકલ ટ્રેનોમાં સફર સંબંધિત કડક નિયમો ચાલુ રાખવા જોઈએ. રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ કહ્યું કે મુંબઈમાં અર્થતંત્રના પૈડાં ઘૂમતાં રહે એ માટે વધુ લોકોને લોકલ ટ્રેનોમાં સફર કરવા દેવી જોઈએ, પરંતુ કઈ વ્યક્તિએ રસીના બંને ડોઝ લઈ લીધા છે એ ચકાસવું મુશ્કેલ કામ છે. આમ, સર્વસંમતિ ન મળતાં રાજ્ય સરકારે કોવિડ-19 નિયંત્રણોને વધારે હળવા કરવાનું માંડી વાળ્યું છે. ડો. સંજય ઓકે કહ્યું હતું કે જે શહેરોમાં કોરોના-પોઝિટિવિટી રેટ ઓછો હોય ત્યાં દુકાનોને રાતના 8 વાગ્યા સુધી ખુલ્લી રાખવા દેવી જોઈએ.