‘પુસ્તકોના પાંચ પ્રકારો સમજી લેવા જોઈએ’: દિનકર જોષી

મુંબઈઃ “પોથી, ગ્રંથ, પુસ્તક, ચોપડી અને પછી હલિથો – એમ પાંચ પ્રકારના પુસ્તકો હોય છે. પોથી કક્ષાએ આપણા વેદો તથા મહાભારત, રામાયણ, ભાગવત તથા ભગવદ્ ગીતાને મૂકી શકીએ. એના પછી આવે ઉચ્ચ કક્ષાનું, રવીન્દ્રનાથ ટાગોરના સાહિત્ય જેવું સાહિત્ય જેને આપણે ગ્રંથ કહી શકીએ. ત્યારબાદ આપણી નવલકથાઓ, નિબંધ તથા કવિતાનાં પુસ્તકો સ્થાન પામે. એ પછી ઠીક ઠીક એટલે કે ચોપડી અને પછી સાવ કાઢી નાખવા જેવું જે આજે અઢળક છપાય છે અને જે પસ્તીમાં જાય એવું હલિથો. સાચા ભાવકે આમાંથી ઉત્તમ તારવીને વાંચવું જોઈએ.” આ શબ્દો છે જાણીતા સાહિત્યકાર-વિચારક ડો. દિનકર જોષીના, જે એમણે અત્રેના કાંદિવલી ખાતે આયોજિત ‘મારું પ્રિય પુસ્તક’ કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં વ્યક્ત કર્યા હતા.

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીની નવનિયુક્ત સમિતિ દ્વારા યોજાયેલો આ વર્ષ 2023નો પ્રથમ કાર્યક્રમ હતો. તેની શરૂઆત વરિષ્ઠ સાહિત્યકાર દિનકર જોષીના આશીવર્ચન સાથે થઇ હતી. સમગ્ર કાર્યક્રમ રસપ્રદ અને માહિતીસભર રહ્યો હતો. અકાદમી તથા કે.ઈ.એસ. ગુજરાતી ભાષાભવનના ઉપક્રમે જયંતીલાલ પટેલ લૉ કોલેજ, કાંદિવલીમાં આયોજિત આ કાર્યક્રમમાં ત્રણ વિવિધ ક્ષેત્રના વક્તાઓ હતાં.  દિનકરભાઈ ઉપરાંત અન્ય વક્તા હતા – પ્રો. ડો. જે.જે. રાવલ, મહેશ શાહ અને શ્રદ્ધા શ્રીધરાણી.

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્યના નવા નિમાયેલા મા.કાર્યાધ્યક્ષ સ્નેહલ મુઝુમદારે વક્તાઓનો તથા વિષયનો પરિચય આપ્યો હતો.  એમણે તેમની વિનોદસભર શૈલીમાં ઉમેર્યું હતું કે, ‘ગુજરાતીઓને ચોપડી કરતા ચોપડામાં રસ છે એમ કહેનારા ભૂલી જાય છે કે અંગ્રેજી ભાષામાં બુક એ માત્ર નાન્યતર જાતિનો શબ્દ છે પણ ગુજરાતીમાં બુક માટે ત્રણેય જાતિના શબ્દો છે. ચોપડી નારી જાતિ, ગ્રંથ નર જાતિ અને પુસ્તક નાન્યતર જાતિ.’

બ્રહ્માંડ અને વેદ વિશે પુસ્તક આવશે: ડો. રાવલ

જાણીતા ખગોળ વૈજ્ઞાનિક ડો. જે. જે. રાવલે બ્રહ્માંડ અને વેદ વિશે નવા તૈયાર થઈ રહેલા પોતાના સંપાદિત પુસ્તકને પ્રિય પુસ્તક તરીકે વર્ણવતા માહિતીસભર વક્તવ્ય આપ્યું હતું. એમણે કહ્યું, “એક જંતુ કોઈ વસ્તુને બે પરિમાણમાં જોઈ શકે છે. મનુષ્યો ત્રણ પરિમાણમાં જોઈ શકે છે જ્યારે વિજ્ઞાન ચાર, પાંચ અને છ પરિમાણ સુધી પહોંચી ગયું છે. બ્રહ્માંડ ઘણા બધાં રહસ્યો સંઘરીને બેઠું છે. ઋગ્વેદ પૃથ્વી પરનો પ્રથમ ગ્રંથ છે અને એનો પ્રથમ શ્લોક અગ્નિને આહવાન કરે છે.  સૂરજ એ પણ અગ્નિનું જ સ્વરૂપ છે.”

વડલા વિશે વહાલી વાતો

જાણીતાં ગાયિકા તથા સ્વરકાર શ્રદ્ધા શ્રીધરાણીએ પોતાનાં કાકા દાદા સર્જક કૃષ્ણલાલ શ્રીધરાણીએ ૧૯૩૦માં લખેલા બાળનાટક ‘વડલો’ વિશે વાત કરી હતી. કૃષ્ણલાલ શ્રીધરાણીએ ૧૭ વર્ષની ઉંમરે ભોગવેલા જેલવાસ દરમિયાન જોયું કે વડની વડવાઈ જેલની બારી પાસે વીંટળાઈ છે. એ જોઈને એમણે બાળકોને રસ પડે એવું એક બાળનાટક લખ્યું હતું જેમાં વડલા ઉપરાંત પશુ અને પંખીની સૃષ્ટિનો પણ સમાવેશ છે. એ બાળનાટકમાં આજના બાળકોને મઝા પડે એવું ઘણું બધું છે, એની શ્રદ્ધા શ્રીધરાણીએ વાત કરી હતી. આ વડલો એટલે દક્ષિણામૂર્તિના ગિજુભાઈ પણ હોઈ શકે એવો સંકેત કર્યો હતો. ‘અમે તો સૂરજના છડીદાર’ જેવા એ બાળગીતનું એમણે કરેલું સ્વરાંકન પણ શ્રીધરાણીએ સંભળાવ્યું હતું.

પુનર્જનમ વિશેની રસપ્રદ વાતો

જાણીતા ઉદ્યોગસાહસિક મહેશ શાહે બહુ ઓછા સ્પર્શાયેલા એવા વિષયની વાત કરી હતી. પુનર્જન્મની અગોચર સૃષ્ટિનો પરિચય કરાવતા ડોક્ટર બ્રાયન વેઈઝના આ પુસ્તક “મેની લાઈવ્ઝ, મેની માસ્ટર્સ”માં એક યુવતી કેથરીનનાં ચિત્તને સંમોહન અવસ્થામાં લઈ જઈ, કઈ રીતે અગાઉના અનેક જન્મોના પડળ ખુલતાં જાય છે એની રજૂઆત મહેશભાઈએ કરી હતી. ભગવદ્ ગીતાના અભ્યાસી મહેશભાઈએ આ પુસ્તક સામે પુનર્જન્મની આ જ વાત ભગવદ્દ ગીતા તથા આપણા અન્ય શાસ્ત્રોએ કઈ રીતે મૂકી છે એનું સરસ રીતે, મુદ્દાસર વર્ણન કર્યું હતું.

કાર્યક્રમના સંચાલક કવયિત્રી પ્રતિમા પંડ્યાએ વિવિધ ઉદાહરણો આપીને પુસ્તકોનું આપણા જીવનમાં શું સ્થાન છે અને પુસ્તકો આપણા જીવનમાં કઈ રીતે પરિવર્તન લાવી શકે છે એની સરસ વાત કરી હતી.

કવિ સંજય પંડ્યાએ અકાદમીના આગામી કાર્યક્રમોની રૂપરેખા આપી હતી. આ વર્ષે અકાદમી શાળા-કોલેજનાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રોફેસરને સાંકળીને ભાષા તથા સાહિત્યના કાર્યક્રમો યોજશે તથા મહારાષ્ટ્રના અન્ય શહેરોમાં પણ કાર્યક્રમો યોજવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.

અકાદમીના કાર્યક્રમોના પ્રસારમાં તથા સંકલનમાં મુખ્ય ભૂમિકા ભજવનાર કવિ હિતેન આનંદપરા તથા અકાદમીની નવી સમિતિમાં નિમાયેલાં સભ્ય મોનિકા ઠક્કર પણ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં. કવિ સંદીપ ભાટીયા, રાજેન બ્રહ્મભટ્ટ તથા દિનેશ પોપટ, સંગીત ક્ષેત્રનાં નેહા યાજ્ઞિક તથા હેમાંગ વ્યાસ, પ્રોફેસર કવિત પંડ્યા, સાહિત્ય અને સંગીતમર્મજ્ઞ જોની શાહ – અર્ચના શાહ , નવી લેખિકાઓ જિજ્ઞા કપૂરીયા – આરતી મર્ચન્ટ, નાટકોનાં અભિનેત્રી પ્રીતા પંડ્યા, ‘મુંબઈ ગુજરાતી’ના દેવાંગ શાહ તથા અનેક ભાવકોએ કાર્યક્રમનો આનંદ માણ્યો હતો.