તાડદેવમાં 20-માળની બિલ્ડિંગમાં આગઃ સાતનાં મોત

મુંબઈઃ શનિવારે મધ્ય મુંબઈના તાડદેવ વિસ્તારમાં એક 20 માળની રહેણાક ઇમારતમાં ભીષણ આગ લાગી હતી. આ આગ લાગવાને કારણે સાત લોકોનાં મોત થયાં છે અને કેટલાય લોકો ઘાયલ થયા છે. ફાયર બ્રિગ્રેડ વિભાગ બચાવ કાર્યમાં લાગેલો છે.

ગોવાલિયા ટેન્ક સ્થિત કમલા બિલ્ડિંગમાં સવારે સાત કલાકે આગ લાગી હતી. આ 20 માળની બિલ્ડિંગ હતી અને આગ 18મા માળે લાગી હતી. આ આગ લાગવાની સૂચના મળવાથી ફાયરબ્રિગ્રેડના કર્મચારીઓ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, એમ BMCના એક અધિકારીએ જણાવ્યું હતું.

પ્રાપ્ત અહેવાલ અનુસાર ઘાયલ થયેલા લોકોને હાલ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ 13 ફાયર બ્રિગેડનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. મુંબઈના CFO હેમંત પરબે જણાવ્યું હતું કે અત્યાર સુધી 28 લોકો ઘાયલ થયા છે. તેમને વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. આ આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે. બિલ્ડિંગમાં હાજર લોકોની તબિયત ખરાબ થઈ હતી.

આ આગમાં ઘાયલ થયેલા લોકોમાંથી 15 લોકોને ભાટિયા હોસ્પિટલ અને અન્ય નાયર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં સાત લોકોનાં મોત થયાં હતા. બે લોકોનાં મોત હોસ્પિટલ લઈ જવા દરમ્યાન થયાં હતા. ઘાયલ થયેલા 15 લોકોમાંથી 12 લોકોને સામાન્ય વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ આગમાં ત્રણ લોકોની હાલત ગંભીર છે. આ દુર્ઘટનામાં છ વૃદ્ધોને ઓક્સિજન સપોર્ટ સિસ્ટમની જરૂર હતી અને તેમને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.