મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી રવીના ટંડને પોતાનાં નામે ટ્વિટર પર નકલી એકાઉન્ટ ખોલાયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
‘તૂ ચીઝ બડી હૈ મસ્ત મસ્ત‘ ગીતની અભિનેત્રી રવીનાએ કરેલી ફરિયાદના આધારે પોલીસે અજ્ઞાત વ્યક્તિ સામે એફઆઈઆર નોંધી છે.
આ ટ્વિટર એકાઉન્ટ પરથી મુંબઈ પોલીસને બદનામ કરવામાં આવી છે અને શહેરના પોલીસ કમિશનર પરમબીર સિંહ વિરુદ્ધ ગંદી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે રવીના નકલી ટ્વિટર એકાઉન્ટનો શિકાર બનેલી આ પહેલી બોલીવૂડ હસ્તી નથી. આ પહેલાં અભિનેતા સોનૂ સૂદના નામે પણ ફેસબુક અને ટ્વિટર પર ફેક એકાઉન્ટ ખોલાયાનું ધ્યાનમાં આવ્યું હતું અને સોનૂના નામે લોકો પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
રવીનાનાં નકલી ટ્વિટર એકાઉન્ટ પર એક વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં ગંદી વાતો કહેવામાં આવી છે.
રવીનાએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે આ એકાઉન્ટ સાથે પોતાને કોઈ લેવાદેવા નથી.
પોલીસે આઈપીસીની જુદી જુદી કલમ હેઠળ ફરિયાદ નોંધી છે અને તપાસ શરૂ કરી છે.
હાલ આ એકાઉન્ટને બ્લોક કરી દેવામાં આવ્યો છે.
પ્રારંભિક તપાસ પરથી એવું માલૂમ પડ્યું છે કે મુંબઈ પોલીસને અને મહારાષ્ટ્રની સરકારને બદનામ કરવાના હેતુસર આ એકાઉન્ટ ખોલવામાં આવ્યો હતો.