મુંબઈ લોકલ ટ્રેનમાં માસ્ક વગર પ્રવાસ કરનારને રૂ.200નો દંડ

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે રેલવે પોલીસ (જીઆરપી)ને આદેશ આપ્યો છે કે શહેરની લોકલ ટ્રેનોમાં અને રેલવે સ્ટેશનો પર જે પ્રવાસીઓ મોઢા પર માસ્ક પહેર્યા વગર દેખાય એમને દંડ ફટકારવો.

રાજ્યમાં કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગવર્મેન્ટ રેલવે પોલીસના કમિશનર રવિન્દ્ર સેનગાંવકરને લખેલા પત્રમાં મહારાષ્ટ્રના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર અભય યાવલકરે કહ્યું છે કે મુંબઈ મહાનગરપાલિકાએ ગઈ 9 સપ્ટેમ્બરે ઈસ્યૂ કરેલા એક સર્ક્યૂલર અન્વયે દંડ વસુલ કરવો જોઈએ.

મહાનગરપાલિકા જાહેર સ્થળોએ માસ્ક વગર દેખાતા લોકો પાસેથી દંડ રૂપે રૂ. 200 વસૂલ કરે છે.

યાવલકરે પત્રમાં લખ્યું છે કે લોકલ ટ્રેનોમાં કે સ્ટેશનની અંદર જે કોઈ પ્રવાસી માસ્ક પહેર્યા વગર દેખાય એને દંડ ફટકારવાની રાજ્ય સરકાર રેલવે પોલીસને સત્તા આપે છે.

કોવિડ-19 કેસોને વધતા રોકવા માટે પ્રવાસીઓ તમામ સંબંધિત પ્રોટોકોલ્સનું પાલન કરે એ અનિવાર્ય છે.

ઉલ્લેખનીય છે કે, ગઈ 15 જૂનથી મહારાષ્ટ્ર સરકાર અને રેલવે સત્તાવાળાઓએ તાકીદની સેવાઓમાં સંકળાયેલા લોકો માટે વિશેષ ઉપનગરીય ટ્રેન સેવા મર્યાદિત સંખ્યામાં શરૂ કરી છે.

રેલવે સત્તાવાળાઓ હાલ મુંબઈ ઉપનગરીય નેટવર્ક પર 10 લેડિઝ સ્પેશિયલ ટ્રેનો સહિત 1,410 સ્પેશિયલ ટ્રેનો દોડાવે છે.

રાજ્ય સરકારની વિનંતીને પગલે રેલવે મંત્રાલયે મુંબઈમાં કાયદેસર ટિકિટ/પાસધારક તમામ મહિલાઓને નિર્ધારિત કલાકો દરમિયાન લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવા દેવાની મંજૂરી આપી છે.

રાજ્ય સરકારે એવું પણ સૂચન કર્યુ છે કે રેલવેએ ધસારા-સિવાયના કલાકો દરમિયાન તમામ લોકોને લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવા દેવો જોઈએ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]