શ્રીનગરમાં પીડીપીની ઓફિસને સીલ કરી દેવાઈ

શ્રીનગરઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરની પોલીસે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીડીપી)ની અત્રેની ઓફિસને આજે સીલ કરી દીધી છે. આ કેન્દ્રશાસિત પ્રદેશમાં જમીન-ખરીદીના નવા કાયદા લાગુ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામેના વિરોધમાં પીડીપીના કાર્યકર્તાઓ વિરોધ-કૂચ કાઢે એ પહેલાં જ પોલીસો ત્રાટક્યા હતા અને પાર્ટીના કાર્યાલયને સીલ કરી દઈ તેના અનેક નેતાઓને અટકમાં લીધા છે.

પીડીપીના નેતાઓએ કેન્દ્રના નવા કાયદા સામેના વિરોધમાં પક્ષના મુખ્યાલયથી પ્રેસ એન્ક્લેવ સુધી રેલી કાઢવાનું નક્કી કર્યું હતું.

જોકે અત્રે પાર્ટીના મુખ્યાલયની બહાર જ પોલીસો ગોઠવાઈ ગયા હતા અને પાર્ટીના અનેક નેતાઓને પકડી લીધા હતા. જેમાં ખુર્શીદ આલમ, વહીદ પારા, સુહૈલ બુખારી, રઉફ ભટ, મોહિત ભાન જેવા નેતાનો સમાવેશ થાય છે.

આજે સવારથી જ પીડીપીના મુખ્યાલયની અંદર તથા બહાર પોલીસોને મોટી સંખ્યામાં ગોઠવી દેવામાં આવ્યા હતા.

પાર્ટીનાં પ્રમુખ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મેહબૂબા મુફ્તીએ વહીવટીતંત્રના આ નિર્ણયની ટ્વિટરના માધ્યમ દ્વારા ઝાટકણી કાઢી છે. એમણે એક ટ્વીટમાં લખ્યું છે કે, ‘તમે દુનિયામાં જે બતાવી રહ્યા છો એ સામાન્યવત્ પરિસ્થિતિની શું આ જ વ્યાખ્યા છે?’