મોદી બે-દિવસ ગુજરાતમાંઃ 17 યોજનાઓનું લોકાર્પણ કરશે

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. વડા પ્રધાન મોદી સવારે 9.30 કલાકથી 10 કલાકની વચ્ચે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. તેમના આ કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ ફેરફાર થયો છે. સવારે 10-30 કલાકે તેઓ ગાંધીનગરમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુબાપાના ઘરે પહોંચશે. જ્યાં સ્વર્ગસ્થ કેશુબાપાને શ્રદ્ધાંજલિ પાઠવીને તેમના પરિવારને સાંત્વના પાઠવશે.

હીરા બાના આશીર્વાદ લેવા માટે પણ જાય એવી સંભાવના

વડા પ્રધાન મોદી સ્વર્ગસ્થ નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાના નિધન પર શોક વ્યક્ત કરવા તેમના નિવાસસ્થાને પણ જાય એવી શક્યતા છે. એ પછી તેઓ રાયસણમાં માતા હીરા બાના આશીર્વાદ લેવા માટે પણ જાય એવી સંભાવના છે. ત્યાર પછી તેઓ વિધાનસભાના હેલિપેડથી કેવડિયા જવા માટે રવાના થશે.

બપોર પછી મોદી કેવડિયા પહોંચશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાત દરમિયાન અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવાના છે. વડા પ્રધાન મોદી બપોર બાદ કેવડિયા કોલોની પહોંચશે. તેઓ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪પમી જન્મજયંતીએ કેવડિયામાં સરદાર પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને ભાવાંજલિ આપશે અને રાષ્ટ્રીય એકતા પરેડનું નિરીક્ષણ કરશે. આ સાથે જ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી-કેવડિયાના સંકલિત વિકાસ માટેના વિવિધ ૧૭ પ્રોજેકટસના લોકાર્પણ પણ કરશે. આ ઉપરાંત તેઓ નવા ચાર પ્રોજેક્ટોનો પણ શિલાન્યાસ કરશે.

 વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ

વડા પ્રધાન કેવડિયામાં વિવિધ થિમ આધારિત પ્રોજેક્ટોનું લોકાર્પણ કરશે. જેમાં તેઓ જંગલ સફારી, હેન્ડલૂમ અને હેન્ડિક્રાફ્ટ, એકતા મોલ, ટેક્નોલોજી આધારિત ચિલ્ડ્ર્ન ન્યુટ્રિશિયન પાર્ક, દેશનો સૌપ્રથમ યુનિટી ગ્લો ગાર્ડન, કેકટ્સ ગાર્ડન, એકતા નર્સરી, આરોગ્ય વન, ગરુડેશ્વર વિયર, નવો ગોરા બ્રિજ અને આદર્શ ગામ જેવા પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે.

શનિવારે ફરીથી તેઓ અમદાવાદ આવશે

શુક્રવારે સવારે અમદાવાદ આવ્યા પછી કેવડિયા જઈ એકતા દિનની ઉજવણીના વિવિધ કાર્યક્રમોમાં વડા પ્રધાન મોદી ભાગ લેશે. ત્યાર પછી તેઓ જે 31 ઓક્ટોબરે ફરીથી અમદાવાદ આવશે. સી-પ્લેનમાં અમદાવાદમાં સાબરમતી નદીમાં ઉતરાણ કરીને કેવડિયા જવાની સુવિધાનું લોકાર્પણ કરશે.  31 ઓક્ટોબરે સી-પ્લેનમાં સાબરમતી નદીમાં લેન્ડિંગ કર્યા પછી તેઓ એરપોર્ટથી દિલ્હી જશે.