ગુજરાતના રાજકારણમાં પરિવર્તનના જનક કેશુભાઈ પટેલની ચિરવિદાય

મદાવાદ: ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા કેશુભાઈ પટેલનું લાંબી માંદગી બાદ આજે દુઃખદ નિધન થયું છે. કેશુબાપાને શ્વાસ લેવામાં તકલીફ પડતાં અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે. તેઓ 92 વર્ષના હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક દિગ્ગજ નેતાઓએ કેશુભાઈના નિધન અંગે શોક વ્યક્ત કર્યો છે.

કોરોનાને માત આપી હતી

કેશુભાઈ પટેલે તાજેતરમાં જ કોરોના વાઈરસ બીમારીને માત આપી હતી. જૈફ વય હોવા છતાં તેમણે કોરોનાને હરાવ્યો હતો અને એકદમ સ્વસ્થ થયા હતા.

કેશુભાઈની રાજકીય કારકિર્દી

કેશુભાઈ પટેલ ૧૯૯૫ના માર્ચથી ૧૯૯૫ના ઓક્ટોબર અને ત્યારબાદ ૧૯૯૮ના માર્ચથી ૨૦૦૧ના ઓક્ટોબર સુધી  – એમ બે વખત ગુજરાતના મુખ્ય પ્રધાનપદે રહ્યા હતા. આ ઉપરાંત તેઓ છ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 1945માં કેશુભાઈ પટેલ પ્રચારક તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા હતા. 1980માં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

કેશભાઈને પરિવારમાં પાંચ પુત્ર અને એક પુત્રી

કેશુભાઈના અંગત જીવનની વાત કરીએ તો તેમણે લીલાબહેન સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્નજીવન દરમિયાન તેઓ પાંચ પુત્ર અને એક પુત્રીના પિતા બન્યા હતા. કેશુભાઈનાં પત્ની લીલાબેન પટેલ તેમના ગાંધીનગર ખાતેના ઘરમાં એક્સરસાઇઝ રૂમમાં શોર્ટ સર્કિટ થતાં વર્ષ 2006માં મૃત્યુ પામ્યા હતા. જ્યારે 2017માં પુત્ર પ્રવીણ પટેલનું નિધન થઈ ગયું હતું. જ્યારે 2018માં સંન્યાસી બની ગયેલા તેમની બીજા દીકરા જગદીશ પટેલનું હાર્ટ એટેકને કારણે અવસાન થયું હતું.

રૂપાણી સહિત દેશભરના નેતાઓએ આ દિગ્ગજ નેતાને શ્રદ્ધાંજલિ આપી

કેશુભાઈ પટેલ ગુજરાત ભાજપના સંસ્થાપકમાંના દિગ્ગજ નેતાઓમાંથી એક હતા. દેશભરના નેતાઓએ આ દિગ્ગજ નેતાને શ્રદ્ધાંજલિ આપી છે. લોકોમાં તેઓ કેશુબાપાના હુલામણા નામે ઓળખાતા હતા. ત્યારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કેશુભાઈ પટેલના નિધન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે કહ્યું હતું કે  કેશુભાઈ પટેલે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને અર્પણ કર્યું હતું એટલું જ નહિ ખેડૂત પુત્ર તરીકે પણ તેમણે ખેડૂત હિત સહિત અનેક લોક સેવા કાર્યોથી ભાજપાને અપ્રતિમ લોકચાહના અપાવી છે. કેશુભાઈના નિધનથી આપણને સૌને મોટી ખોટ પડી છે અને આ ખોટ આપણને સદાય સાલશે. સદગત કેશુભાઈના આત્માની પરમ શાંતિની પ્રાર્થના પણ સૌ વતી કરી છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેશુબાપાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રએ એક ગૌરવપૂર્ણ નેતા ગુમાવ્યા છે. 

સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ આપી

શંકરસિંહ વાઘેલાએ શોક વ્યક્ત કર્યો

તેમની સાથે ખભેખભો મિલાવીને કામ કરનારા શંકરસિંહ વાઘેલાએ શોક વ્યક્ત કરતાં કહ્યું હતું કે 52 વર્ષના અમારા સંબંધો હતા. રાજકોટના સામાન્ય પરિવારમાં ખેડૂત જન્મેલ અમારા કેશુભાઈ, ધરતી સાથે જોડાયેલા, તેમની આગેવાનીમાં મેં મારી રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. આજે અમારા લાગણીબંધ સંબંધો તૂટ્યા છે. ભગવાન તેમની આત્માને પ્રાર્થના આપે.