મુંબઈઃ છેલ્લા બે મહિનાથી પેટ્રોલ-ડિઝલની કિંમતમાં સતત વધારો થયો છે. મુંબઈમાં ટેક્સી અને ઓટોરિક્ષાચાલકો ભાડું વધારવાની ઘણા વખતથી માગણી કરી રહ્યા છે. એમએમઆરટીએ (મુંબઈ મેટ્રોપોલિટન રીજન ટ્રાન્સપોર્ટ ઓથોરિટી) હવે આ મુદ્દે ઝડપથી નિર્ણય લે એવી ધારણા છે. ટેક્સી-રિક્ષા ભાડું વધારવાનો નિર્ણય આમ તો ગયા ડિસેમ્બરની બેઠકમાં જ લેવાનો હતો, પરંતુ કોઈક અનિવાર્ય કારણસર એ મોકૂફ રખાયો હતો.
મુંબઈમાં ટેક્સી-રિક્ષાના ભાડામાં છેલ્લા અનેક વર્ષોથી વધારો કરાયો નથી. ગયા વર્ષે કોવિડ-19 રોગચાળો ફેલાવાને કારણે સામાન્ય પ્રજા આર્થિક ભીંસ અનુભવતી હતી તેથી ભાડાવધારવાનું મોકૂફ રાખવાનું ટેક્સી-રિક્ષાચાલકોના સંગઠને જ કહ્યું હતું. પરંતુ, હવે ઈંધણની કિંમત હદબહાર જતાં શહેરીજનોને માથે હવે ટેક્સી-રિક્ષા ભાડાવધારો ઝીંકાવાની તૈયારીમાં છે. ટેક્સીચાલકો ટેક્સીનું લઘુત્તમ ભાડું જે હાલ 22 રૂપિયા છે તે વધારીને 25 રૂપિયા કરાય એમ ઈચ્છે છે જ્યારે રિક્ષાનું લઘુત્તમ ભાડું 18થી વધારીને 20 રૂપિયા કરવાની માગણી છે. મહારાષ્ટ્ર સરકાર પણ ટેક્સી-રિક્ષાચાલકોની માગણી અંગે સકારાત્મક વલણ ધરાવે છે.
Image courtesy: Wikimedia Commons