મુંબઈ – મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ ટૂંક સમયમાં જ કેન્દ્ર સરકારમાં સ્થાન પામે એવી જોરદાર ચર્ચા ચાલી રહી છે. એમને નાણાં ખાતું આપવામાં આવે એવી અટકળો છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ગઈ વેળાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સૌથી વધારે બેઠક મેળવી શકી હતી તે છતાં એને સત્તાથી દૂર રહેવાનો વારો આવ્યો તે છતાં પક્ષની કેન્દ્રીય નેતાગીરીએ ફડણવીસમાં વિશ્વાસ જાળવી રાખ્યો છે.
રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ફડણવીસને કદાચ નાણાં પ્રધાન બનાવવામાં આવશે.
2019ની લોકસભા ચૂંટણી જીતીને નરેન્દ્ર મોદી સરકાર ફરી સત્તા પર આવી છે. ત્યારબાદ નિર્મલા સીતારામનને નાણાં પ્રધાન તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ છેલ્લા અમુક દિવસોથી એમની કામગીરીની ટીકા શરૂ થઈ છે.
નાણાં મંત્રાલય જેવું મહત્ત્વનું ખાતું સંભાળ્યા બાદ સીતારામને એને શોભે એવી કામગીરી કરી બતાવી નથી એવું ઘણાયનું માનવું છે.
કહેવાય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ એમની કામગીરીથી નારાજ થયા છે. તેથી હવે મોદી જ નાણાં મંત્રાલયની જવાબદારી ફડણવીસને સોંપે એવી શક્યતા છે.
દેવેન્દ્ર ફડણવીસને પહેલેથી જ આર્થિક વિષયનો સારો એવો અભ્યાસ છે. એમણે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન મહારાષ્ટ્રનું સરસ રીતે નેતૃત્ત્વ સંભાળતા રાજ્યની આર્થિક સ્થિતિ સુદ્રઢ થયું છે. તેથી જ હવે એમને સીધા કેન્દ્રીય નાણાં પ્રધાન તરીકેની જવાબદારી આપવામાં આવી શકે છે. દેશની હાલની આર્થિક પરિસ્થિતિને જોતાં ફડણવીસ માટે નવી જવાબદારી મોટો પડકાર બની શકે એમ છે.
ફડણવીસ બે દિવસ પહેલાં જ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને દિલ્હીમાં મળ્યા હતા. એ મુલાકાત બાદ ફડણવીસની વરણી કેન્દ્રીય પ્રધાનમંડળમાં કરાશે એવી ચર્ચાએ જોર પકડ્યું છે.
જો ફડણવીસને કેન્દ્રમાં લઈ જવામાં આવે તો મહારાષ્ટ્રમાં ભાજપમાં પણ મોટા ફેરફારો આવી શકે એમ છે. હાલ ફડણવીસ મહારાષ્ટ્ર વિધાનસભમાં વિરોધ પક્ષના નેતા છે. પરંતુ જો એમનો સમાવેશ કેન્દ્રીય કેબિનેટમાં કરાશે તો મહારાષ્ટ્રમાં વિપક્ષી નેતાનું પદ મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલને અથવા ભૂતપૂર્વ રાજ્ય નાણાં પ્રધાન સુધીર મુનગંટીવારને સોંપવામાં આવે એવી ધારણા છે.
એવી જ રીતે, અનેક દિવસોથી નારાજ થયેલાં ભૂતપૂર્વ રાજ્ય પ્રધાન પંકજા મુંડેને રાજ્ય ભાજપ એકમનું નેતૃત્ત્વ સોંપવામાં આવે એવી પણ ચર્ચા છે.