કોરોનાની ત્રીજી-લહેર બાળકો માટે જોખમી: BMC સજ્જ

મુંબઈઃ કોરોનાવાઈરસ રોગચાળાનો ત્રીજો તબક્કો નાનાં બાળકો માટે વિનાશકારી બને એવી સંભાવના વ્યક્ત કરાઈ છે ત્યારે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) અને મહારાષ્ટ્ર સરકાર મુંબઈ શહેરમાં તેમજ મહારાષ્ટ્રમાં અન્યત્ર ખાસ બાળકો માટે અલાયદા કોવિડ કેર કેન્દ્રો તૈયાર કરાવી રહ્યાં છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગયા અઠવાડિયે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરોને આદેશ આપ્યો હતો કે કોવિડની ત્રીજી લહેરમાં બાળકોનાં આરોગ્ય પર મોટા પાયે અસર થાય એવી સંભાવના હોવાથી તેનો સામનો કરવા માટે સૌ તૈયાર રહો.

રાજ્યના પર્યટન પ્રધાન આદિત્ય ઠાકરે, જે મુંબઈ ઉપનગરીય જિલ્લાના પાલક પ્રધાન પણ છે, તેમણે મુંબઈ મહાનગરપાલિકાને કહ્યું છે કે અલગ પીડિયાટ્રિક કોવિડ કેર વોર્ડ તૈયાર કરો. આ માટે તેમણે મુંબઈનાં મેયર કિશોરીતાઈ પેડણેકર, અતિરિક્ત મ્યુનિસિપલ કમિશનર સંજીવ જાયસ્વાલ તથા અન્ય અધિકારીઓ સાથે ચર્ચા કરી છે.