મરાઠા-અનામત માટે કાનૂની લડત ચાલુ રખાશેઃ ઠાકરે

મુંબઈઃ મહારાષ્ટ્રમાં મરાઠા સમાજ માટે સરકારી નોકરીઓ અને શિક્ષણસંસ્થાઓમાં બેઠકો અનામત રાખવા માટે રાજ્ય સરકારે ઘડેલા કાયદાને સુપ્રીમ કોર્ટે આજે રદ કરી દીધો છે. આને કારણે રાજ્યમાં શિવસેનાની આગેવાની હેઠળ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસના સહયોગવાળી મહાવિકાસ આઘાડીની સરકારને મોટો ફટકો પડ્યો છે. મરાઠા આરક્ષણ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ન્યાયમૂર્તિઓ અશોક ભૂષણ, નાગેશ્વર રાવ, અબ્દુલ નઝીર, હેમંત ગુપ્તા અને રવીન્દ્ર ભટ્ટની બેન્ચે આજે ચુકાદો આપ્યો છે. ન્યાયાધીશોએ કહ્યું કે મરાઠા અનામતનો આંકડો 50 ટકાથી વધારે રાખી ન શકાય, તે સમાનતાના નિયમના ભંગસમાન છે. એવી કોઈ અસામાન્ય પરિસ્થિતિ ઊભી થઈ નથી કે મરાઠા સમાજને 50 ટકાથી વધારે અનામતનો લાભ આપવો પડે. મરાઠા અનામત કાયદા હેઠળ અત્યાર સુધીમાં જેમને નોકરી અને શિક્ષણસંસ્થાઓમાં એડમિશન આપવામાં આવ્યા છે એ યથાવત્ રહેશે, પરંતુ હવે પછી વધારે અનામત આપવા દેવામાં આવશે નહીં.

મરાઠા સમાજને 50 ટકાથી વધારે અનામત બેઠકોનો લાભ આપતા કાયદાને મુંબઈ હાઈકોર્ટે માન્ય રાખ્યો હતો. તેને પડકારતી અરજીઓ સુપ્રીમ કોર્ટમાં નોંધાવવામાં આવી હતી. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો કમનસીબ છે. મરાઠા અનામત માટે કાનૂની લડતને ચાલુ રાખવામાં આવશે. એવી જ રીતે, ભાજપના મરાઠા સમાજના નેતા અને રાજ્યસભાના સદસ્ય સંભાજીરાજે છત્રપતિએ પણ કહ્યું છે કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો કમનસીબ છે. મરાઠા સમાજની લાગણીની વિરુદ્ધનો છે. મહારાષ્ટ્રમાં વિરોધપક્ષ ભારતીય જનતા પાર્ટીએ રાજ્ય સરકારની ટીકા કરતા કહ્યું છે કે મરાઠા અનામત મામલે સુપ્રીમ કોર્ટને સમજાવવામાં મહાવિકાસ આઘાડી સરકાર નિષ્ફળ ગઈ છે.