21-કરોડનું અત્યંત-જોખમી યુરેનિયમ પકડાયું, બે બદમાશની ધરપકડ

મુંબઈઃ હાલ કોરોના લોકડાઉન દરમિયાન મુંબઈ પોલીસની ત્રાસવાદ-વિરોધી ટૂકડી (એટીએસ)ના નાગપાડા વિસ્તારના એકમના અધિકારીઓએ આજે એક જબરદસ્ત મોટો દરોડો પાડીને રૂ. 21 કરોડની કિંમતના 7 કિલો 10 ગ્રામ વજનના રેડિયોએક્ટિવ નેચરલ યુરેનિયમનો જથ્થો પકડી પાડ્યો છે અને બે જણની ધરપકડ કરી છે. આ કબજે કરાયેલું આ યુરેનિયમ ભાભા એટમિક રિસર્ચ સેન્ટર (બીએઆરસી)ને મોકલી આપવામાં આવ્યું છે. સંસ્થાનું કહેવું છે કે આ નેચરલ યુરેનિયમ છે અને તે અત્યંત રેડિયોએક્ટિવ તથા માનવીઓ માટે અત્યંત જોખમી છે.

પોલીસ ઈન્સ્પેક્ટર સંતોષ ભાલેકરને બાતમી મળી હતી કે થાણેનો 27 વર્ષીય જિગર જયેશ પંડ્યા નામનો શખ્સ ગેરકાયદેસર રીતે મેળવેલા યુરેનિયમના કેટલાક ટૂકડાનું વેચાણ કરવાનો સોદો કરી રહ્યો છે. તે બાતમીના આધારે ભાલેકર અને એટીએસના અધિકારીઓએ છટકું ગોઠવ્યું હતું અને પંડ્યાની ધરપકડ કરી હતી. પૂછપરછમાં પંડ્યાએ કબૂલ કર્યું હતું કે એને યૂરેનિયમના આ ટૂકડા અબુ તાહિર અફઝલ ચૌધરી નામના શખ્સ પાસેથી મેળવ્યા હતા. ચૌધરી ઈશાન મુંબઈના માનખૂર્દ ઉપનગરનો રહેવાસી છે. આ ઉપનગર બીએઆરસી સંસ્થાના અણુશક્તિ નગર, ટ્રોમ્બે વિસ્તારથી માત્ર 3 કિલોમીટર દૂર આવેલું છે. ભાલેરાવ અને આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર પ્રશાંત સાવંત તથા અન્યોએ તરત જ માનખૂર્દ જઈને ચૌધરીને પકડી લીધો હતો. એટીએસ અમલદારોએ પંડ્યા અને ચૌધરીને એક મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કર્યા હતા જેણે બંનેને 12 મે સુધી એટીએસની કસ્ટડીમાં રીમાન્ડ પર રાખવાની પરવાનગી આપી હતી.