સપ્ટેંબરમાં પણ શાળા-કોલેજો ફરી શરૂ થવાની શક્યતા નહીંવત્

મુંબઈઃ કોરોના વાઈરસ ચેપી રોગચાળો વધુ ફેલાવાની દહેશત હોવાને કારણે કેન્દ્ર સરકાર દેશભરમાં શાળા-કોલેજો સપ્ટેંબરમાં પણ ફરી ખોલવા ઈચ્છતી ન હોવાનું કહેવાય છે. જોકે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓને ખોલવા દેવી જોઈએ એ મુદ્દે ખૂબ ચર્ચા ચાલી રહી છે.

કેન્દ્ર સરકાર અનલોક-4ની માર્ગદર્શિકા ટૂંક સમયમાં જ બહાર પાડવાની છે, પરંતુ શિક્ષણ મંત્રાલયે શાળા-કોલેજો ફરી ખોલવા માટે હજી સુધી કોઈ સમયમર્યાદા નક્કી કરી નથી, કારણ કે મહારાષ્ટ્ર સહિત મોટા ભાગના રાજ્યો એ માટે તૈયાર નથી.

તે છતાં યુનિવર્સિટીઓ, IITs અને IIMs જેવી ઉચ્ચ સ્તરીય શિક્ષણ સંસ્થાઓમાં શિક્ષણની પ્રવૃત્તિઓ આરોગ્યને લગતા નિયમો અંતર્ગત ફરી શરૂ કરવી જોઈએ એવી માગણી કરવામાં આવી છે અને એ મુદ્દે ખૂબ ચર્ચા ચાલી રહી છે.

ઘણાં મોટેરાંઓ જેમ વર્ક-ફ્રોમ-હોમ કરે છે તેમ, વિદ્યાર્થીઓ ઘેરથી જ ભણે એવી પદ્ધતિ લાગુ કરી શકાય એમ નથી, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટફોન્સ કે લેપટોપ્સની સુવિધા નથી. તેથી તેઓ ઘેર રહીને ઓનલાઈન ભણી શકે એમ નથી.

ગ્રામિણ વિસ્તારોમાં તો આ સમસ્યા વધારે મોટી છે. ત્યાં તો ટેક્નોલોજીનો જ અભાવ છે. ફાસ્ટ ઈન્ટરનેટ સેવા સાથેના સ્માર્ટફોન એવા વિસ્તારોમાં ઉપલબ્ધ નથી, તેથી વિદ્યાર્થીઓ ભણી શકે એમ નથી.