ઉદ્ધવ ઠાકરે 7 માર્ચે અયોધ્યા જશેઃ રામલલાના દર્શન કરશે

મુંબઈ – શિવસેના પાર્ટીના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની અયોધ્યા મુલાકાતની તારીખ નક્કી કરવામાં આવી છે. તેઓ એમની મહારાષ્ટ્ર વિકાસ આઘાડી સરકારના સત્તાના 100 દિવસ પૂરા થવાના પ્રસંગની ઉજવણી કરવા અયોધ્યા જશે.

શિવસેનાનાં નેતા અને રાજ્યસભાના સદસ્ય સંજય રાઉતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

રાઉતે કહ્યું કે ઠાકરે 7 માર્ચે અયોધ્યા જશે અને એ મુલાકાત માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. ‘અયોધ્યામેં જલ્લોષ! માર્ચ, 7, 2020’, એમ રાઉતે ટ્વીટમાં જણાવ્યું છે.

સંજય રાઉત

ઉદ્ધવ ઠાકરે અયોધ્યામાં રામલલાનાં દર્શન કરશે અને સરયૂ નદીના કિનારે આરતી પણ કરશે. દેશભરમાંથી હજારો શિવસૈનિકો પણ ત્યારે અયોધ્યા જશે. અમારા માટે આ આસ્થાનો વિષય છે અને કોઈએ પણ એને રાજકારણ સાથે સાંકળવું નહીં, એમ રાઉતે કહ્યું છે.

ઠાકરેએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની સાથે અયોધ્યા જેવું જોઈએ એવી ભાજપ દ્વારા કરાયેલી ટીકાનો જવાબ આપતાં રાઉતે કહ્યું કે રામ મંદિર બાંધકામના મુદ્દે કોંગ્રેસ અને એનસીપીની નેતાગીરીઓએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકાર્યો છે. કોંગ્રેસનાં વચગાળાનાં પ્રમુખ સોનિયા ગાંધી, ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી અને એનસીપીના પ્રમુખ શરદ પવારે રામ મંદિર ચુકાદાને આવકાર્યો છે. રામ મંદિર બંધાવું જ જોઈએ એવો તેમણે પણ અભિપ્રાય વ્યક્ત કર્યો છે એવું મેં સાંભળ્યું છે. તેથી કોઈએ પણ યોગ્ય માહિતી મેળવવી જોઈએ અને પછી બોલવું જોઈએ.

મહારાષ્ટ્રમાં સરકારમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપી ભાગીદારો છે. ઠાકરેની અયોધ્યા મુલાકાતમાં સામેલ થવા માટે શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપીને પણ આમંત્રણ આપ્યું છે.

ઉદ્ધવ ઠાકરે 2019ના જૂન મહિનામાં અયોધ્યા ગયા હતા અને કામચલાઉ બાંધવામાં આવેલા રામલલાના મંદિરમાં દર્શન કર્યા હતા. એ વખતે તેમની સાથે એમના પત્ની રશ્મી ઠાકરે અને મોટા પુત્ર આદિત્ય તેમજ પાર્ટીના 18 નવા ચૂંટાયેલા સંસદસભ્યો પણ ગયા હતા.

ભાજપ-એનડીએ સાથે સંબંધ તોડી નાખ્યા બાદ ઠાકરે આ પહેલી જ વાર અયોધ્યા જશે.

કોંગ્રેસ અને એનસીપી સાથે હાથ મિલાવીને શિવસેનાએ હિન્દુત્વનો મુદ્દો છોડી દીધો છે એવી વાતોને ફગાવી દેવા માટે ઠાકરે માર્ચમાં અયોધ્યા જવાના છે.