મુંબઈઃ મહારાષ્ટ્રમાં હાલ રાજકીય સંકટ ઊભું થયું છે તે વચ્ચે મુખ્ય પ્રધાન અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ એમના પક્ષના 9 બળવાખોર પ્રધાનોનાં ખાતાં અન્ય પ્રધાનોને ફાળવી દીધા છે. બળવાખોર પ્રધાનોએ મુંબઈમાંથી ગુપચુપ નીકળીને હાલ ગુવાહાટીમાં પડાવ નાખ્યો છે.
બળવાખોર પ્રધાનો હાલ મુંબઈમાં નથી અને એમના મંત્રાલયોનો વહીવટ બરાબર રીતે ચાલે એ માટે તેમના ખાતાં ઠાકરેએ અન્ય પ્રધાનોને આપી દીધા છે. બળવાખોર પ્રધાનો શહેરીવિકાસ પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળના જૂથમાં જોડાઈ ગયા છે. શિંદેને શહેરીવિકાસ ઉપરાંત જાહેર બાંધકામ (પબ્લિક એન્ટરપ્રાઈઝીસ) મંત્રાલય પણ હતું. આ બંને ખાતા ઉદ્યોગ પ્રધાન સુભાષ દેસાઈને આપી દેવાયું છે જ્યારે અન્ય વરિષ્ઠ નેતા ગુલાબરાવ પાટીલનું જળ પુરવઠા અને સ્વચ્છતા મંત્રાલય ટ્રાન્સપોર્ટ પ્રધાન અનિલ પરબને આપી દેવાયું છે.