મુંબઈ – વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી જાણીતા મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજ સાથે કરતા એક પુસ્તક ‘આજ કે શિવાજી – નરેન્દ્ર મોદી’એ મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં વિરોધનો વંટોળ ઊભો કર્યો છે. આ પુસ્તક ભારતીય જનતા પાર્ટીના નેતા જય ભગવાન ગોયલે લખ્યું છે.
આ પુસ્તક છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કરે છે એવી શિવસેનાના નેતા અને રાજ્યસભાના સદસ્ય સંજય રાઉતે ઝાટકણી કાઢી છે.
વિરોધને પગલે આખરે ભાજપે આ પુસ્તકને પાછું ખેંચી લેવાનો લેખકને આદેશ આપ્યો હોવાનો અહેવાલ છે. આ આદેશ ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ શ્યામ જાજૂએ આપ્યો હોવાનું કહેવાય છે.
પુસ્તકને પાછું ખેંચી લેવાનો આદેશ આપી દેવાતા આ મુદ્દે થયેલા વિવાદનો હવે ઝડપથી અંત આવી જશે. કારણ કે, મહારાષ્ટ્રમાં શાસક ગઠબંધન, મહાવિકાસ આઘાડીની એક સહભાગી શિવસેના પાર્ટીએ આવતીકાલે મુંબઈમાં વિરોધ-દેખાવો કરવાની જાહેરાત કરી છે.
સોલાપુરમાં જય ભગવાન ગોયલ સામે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
ગોયલ લિખિત આ પુસ્તકનું ગઈ કાલે રવિવારે નવી દિલ્હીમાં ભાજપના પ્રદેશ કાર્યાલયમાં વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પુસ્તકના સમાચાર બહાર આવ્યા બાદ શિવસેના ઉપરાંત મહારાષ્ટ્ર સરકારમાં તેની ભાગીદાર કોંગ્રેસ પાર્ટીના અનેક નેતાઓએ ભાજપની ટીકા કરી હતી.
ગોયલે ગઈ કાલે પુસ્તક વિમોચન પ્રસંગે એમ કહ્યું હતું કે, છત્રપતિ શિવાજી મહારાજનો જેટલો આદર હું કરું છું એટલો મરાઠી લોકો પણ કરતા નથી. જે લોકો આ પુસ્તક વિશે ચર્ચા કરે છે એમણે એકવાર આ પુસ્તક વાંચવું જોઈએ. તો એમને સવાલોના જવાબ મળી જશે. જે લોકોને મારી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરવી છે એમને તેમ કરવાનો અધિકાર છે.
શિવસેનાના નેતા સંજય રાઉતે એવો સવાલ કર્યો છે કે આ પુસ્તક સાથે છત્રપતિ શિવાજી મહારાજના વંશજો – ભાજપના નેતા ઉદયનરાજે ભોસલે અને સંસદસભ્ય સંભાજીરાજે સહમત થાય છે ખરા?
એના જવાબમાં સંભાજીરાજેએ ટ્વીટ કર્યું કે, ઉદ્ધવ ઠાકરેએ સંજય રાઉતને એમની જીભને લગામ આપવાની સલાહ આપી હતી.
સંજય રાઉતે એમ કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજની સરખામણી વિશ્વની કોઈ પણ વ્યક્તિ સાથે કરી શકાય નહીં. એક જ સૂર્ય, એક જ ચંદ્ર અને એક જ શિવાજી મહારાજ, છત્રપતિ શિવાજી મહારાજ. ભાજપના મહારાષ્ટ્ર એકમે આ વિશે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવી જોઈએ. સાતારા ગાદીના વારસદાર શ્રીમંત ઉદયનરાજે, શ્રીમંત શિવેન્દ્રરાજે અને કોલ્હાપુરના છત્રપતિ સંભાજી રાજેને આવી સરખામણી શું માન્ય છે? શિવરાયાના વંશજો બોલો, કંઈક તો બોલો.
રાઉતે ભાજપના રાજ્યસભાના સદસ્ય છત્રપતિ સંભાજી રાજે અને સાતારાના ભૂતપૂર્વ સંસદસભ્ય ઉદયનરાજે ભોસલેનું નામ લીધા વગર એમને ટાર્ગેટ બનાવ્યા હતા. ભોસલે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં હતા, પણ એમાંથી રાજીનામું આપીને હવે ભાજપમાં જોડાઈ ગયા છે.
ભાજપના મિડિયા સેલ તરફથી એવું નિવેદન બહાર પાડવામાં આવ્યું છે કે આ પુસ્તક સાથે પાર્ટીને કોઈ લેવાદેવા નથી.
પક્ષ કહેશે તો પુસ્તક પાછું ખેંચી લઈશઃ જય ભગવાન ગોયલ
પુસ્તક અંગે મહારાષ્ટ્રમાં વિરોધ થવાથી લેખક જય ભગવાન ગોયલે પીછેહઠ કરી છે અને કહ્યું છે કે જો કોઈની લાગણી દુભાઈ હોય અને પક્ષ જો આદેશ આપશે તો હું મારું પુસ્તક પાછું ખેંચી લેવા તૈયાર છું.
ગોયલે કહ્યું કે જે રીતે શિવાજી મહારાજ એમના રાજ્યમાં માતા-બહેનોની ચિંતા કરતા હતા એવી જ રીતે નરેન્દ્ર મોદી પણ દેશની માતા, બહેનોની સુરક્ષા માટે કામ કરે છે. મોદીના નેતૃત્ત્વમાં દુનિયામાં ભારતનું માન વધ્યું છે.