પાલઘરમાં ફેક્ટરી વિસ્ફોટ દુર્ઘટનામાં મરણાંક 8: મૃતકોમાં ફેક્ટરી માલિક સામેલ

મુંબઈ – નજીકના પાલઘર જીલ્લાના કોલવડે ગામ નજીક મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ એસ્ટેટ (MIDC)માં શનિવારે એક કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટને કારણે મકાનનો નાશ થયો હતો અને દુર્ઘટનામાં 8 જણનાં મરણ નિપજ્યા છે. મૃતકોમાં ફેક્ટરીના માલિક, નટુભાઈ પટેલનો પણ સમાવેશ થાય છે.

એ ફેક્ટરીનું નામ હતું ‘તારા નાઈટ્રેટ’. એ પ્લાન્ટ બાંધકામ હેઠળ હતો. શનિવારે સાંજે એમાં કેટલાક રસાયણોનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ભયાનક વિસ્ફોટ થયો હતો અને આગ ફાટી નીકળી હતી.

સાંજે 6.55 વાગ્યાના સુમારે થયેલી દુર્ઘટનામાં અન્ય સાત જણ જખ્મી થયા છે. એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મૃતકોમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

વિસ્ફોટની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે 10થી 15 કિ.મી. સુધીના વિસ્તારમાં એનો અવાજ સંભળાયો હતો.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પ્રત્યેક મૃતકના પરિવારને સરકાર તરફથી રૂપિયા પાંચ લાખની મદદની જાહેરાત કરી છે. ઈજા પામેલી દરેક વ્યક્તિને રૂ. 50 હજાર આપવામાં આવશે. ઈજાગ્રસ્તોની સારવારનો ખર્ચ સરકાર ઉપાડશે.

તારાપૂર ઔદ્યોગિક વસાહતમાં પ્લોટ એમ-2માં આવેલી કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો બધો પ્રચંડ હતો કે ફેક્ટરીના મકાનની બાજુમાં આવેલું બાંધકામ હેઠળનું એક મકાન પણ જમીનદોસ્ત થઈ ગયું હતું.

ફેક્ટરીમાં એમોનિયમ નાઈટ્રેટ નામનું સ્ફોટક રસાયણ બનાવવામાં આવતું હતું. ધડાકો થયા બાદ સાવચેતીના પગલા તરીકે એમઆઈડીસી તરફ જતા તમામ માર્ગો પર ટ્રાફિક કામચલાઉ બંધ કરી દેવામાં આવ્યો હતો.

મૃતકોનાં નામ છે – નટુભાઈ પટેલ, ઈલિયાઝ અન્સારી (40), નિશુ રાહુલસિંહ (26), માધુરી વશિષ્ઠ સિંહ (46), ગોલૂ સુરેન્દ્ર યાદવ (46), રાજમતીદેવી સુરેન્દ્ર યાદવ (40), મોહન ઈંગળે. ઘાયલ થયેલાઓના નામ છે – મુલાયમ જગત બહાદુર યાદવ, રાકેશ કુમાર, ચેતરામ જાયસ્વાલ, સચીનકુમાર, રામબાબૂ યાદવ, રોહિત વશિષ્ઠ સિંહ, નટવરલાલ પટેલ, પ્રાચી રાહુલ સિંહ, ઋતિકા રાહુલ સિંહ.