મુંબઈઃ વરિષ્ઠ નાગરિકો અને શારીરિક રીતે લાચાર વ્યક્તિઓને એમનાં ઘેર જઈને કોરોનાવાઈરસ પ્રતિરોધક રસી આપવાની પરવાનગી ન આપવા બદલ કેન્દ્ર સરકારની મુંબઈ હાઈકોર્ટે ઝાટકણી કાઢી છે.
ફ્રી પ્રેસ જર્નલ અખબારના અહેવાલ મુજબ, મુંબઈ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દીપાંકર દત્તાએ પૂછ્યું કે, ‘શું મુંબઈ મહાનગરપાલિકા વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ લોકોને એમનાં ઘેર જઈને કોરોના-રસી આપવા તૈયાર છે? જો હોય તો અમે તેમને પરવાનગી આપીશું, એ માટે એમણે કેન્દ્ર સરકારની પરવાનગીની રાહ જોવાની જરૂર નથી.’
મહાપાલિકાએ મુંબઈ શહેરમાં તેના દ્વારા સંચાલિત હોસ્પિટલો અને કોલેજોમાં 1000-પથારીઓની વ્યવસ્થા કરીને કોરોનાગ્રસ્ત દર્દીઓની જે રીતે સારવાર કરી બતાવી છે તેને ‘અસાધારણ દૂરદ્રષ્ટિ’ કહીને મુંબઈ હાઈકોર્ટે તેની પ્રશંસા કરી હતી. ચીફ જસ્ટિસ દત્તાએ કહ્યું કે, ‘બીજી મહાનગરપાલિકાઓ આવું કામ કેમ કરતી શકતી નથી? બીએમસી પાસે દૂરદ્રષ્ટિ છે અને એટલે જ તેણે રોગચાળા પર અંકુશ મેળવી બતાવ્યો છે.’