અરબી સમુદ્રમાં બાર્જ ડૂબી ગયું; 26નાં-મરણ, તપાસનો-આદેશ

મુંબઈઃ અરબી સમુદ્રમાં મુંબઈ કિનારાથી આશરે 175 કિ.મી. દૂર આવેલા બોમ્બે હાઈ તેલક્ષેત્ર નજીક ડૂબી ગયેલા ઓએનજીસી કંપનીના બાર્જ પી-305ના 26 જણ માર્યા ગયા છે અને બીજા 49 જણ હજી લાપતા છે. ભારતીય નૌકાદળ દ્વારા બચાવ કામગીરી આજે ચોથા દિવસની સવારે પણ ચાલુ રાખવામાં આવી હતી. વાવાઝોડું તાઉ’તે ફૂંકાતા દરિયો તોફાની બન્યો હતો અને એને કારણે બાર્જ (માલવાહક જહાજ) પી-305 બેકાબૂ બની ગયું હતું. તેની પરથી SOS સંદેશ મોકલાતાં નૌકાદળે બચાવ કામગીરી હાથ ધરી હતી. બાર્જ પર 273 કામદારો હાજર હોવાનો અહેવાલ છે. નૌકાદળના જવાનોએ 190 જેટલા લોકોને બચાવી લીધા છે. પી-305 ઉપરાંત તે સમુદ્રવિસ્તારમાં એક અન્ય બાર્જ પણ જોખમાઈ ગયું હતું અને તેની પરના કામદારોને પણ નૌસૈનિકોએ ભારે જોખમનો સામનો કરીને ઉગારી લીધા હતા. નૌકાદળના જહાજ આઈએનએસ કોચી દ્વારા મૃતદેહોને મુંબઈ બંદર ખાતે લાવવામાં આવ્યા છે. તેમની સાથે બચાવી લેવામાં આવેલા લોકો પણ હતા.

દરમિયાન, કેન્દ્રીય પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયે આ જહાજ ડૂબી જવાના કારણોની તપાસનો આદેશ આપ્યો છે. એ માટે 3-સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. બાર્જ પી-305 પરના એક કામદાર સુનીલ કુમારે આ દુર્ઘટના માટે જહાજનું સંચાલન કરતી કંપનીને દોષી ગણાવી છે. તેણે કહ્યું કે વાવાઝોડું ત્રાટકે એ પહેલાં જ તેમણે અમને બચાવી લેવા જોઈતા હતા. જો એમ કર્યું હોત તો આવી હાલત થઈ ન હોત. અમે સમુદ્રના કાતિલ ઉછળતાં મોજાં, ભારે વરસાદ, અતિશય સ્પીડમાં ફૂંકાતા પવન સામે 14 કલાક સુધી ઝીંક ઝીલતા રહ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]