મધદરિયે જહાજ ડૂબ્યું, 146ને બચાવી લેવાયા

મુંબઈઃ અરબી સમુદ્રમાં સર્જાયેલું ‘તાઉ’તે’ વાવાઝોડું ગઈ કાલે મુંબઈના પશ્ચિમી કાંઠા નજીકથી પસાર થતાં મુંબઈનો દરિયો ગાંડોતૂર બન્યો હતો. એને કારણે દક્ષિણ મુંબઈમાં કોલાબા પોઈન્ટથી ઉત્તર તરફ આશરે 48 દરિયાઈ માઈલના અંતરે લાંગરેલા બે બાર્જ (લાંબું માલવાહક જહાજ) ડૂબી જવાની ભીતી ઊભી થઈ હતી. આની જાણ થતાં જ ભારતીય નૌકાદળના જવાનો તરત જ ત્યાં પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી, જે ગઈ આખી રાત ચાલી હતી. એમાંનું એક બાર્જ ‘P305’ ડૂબી ગયું છે. એની પરના 273માંથી 146 જણને બચાવી લેવામાં આવ્યા છે, અન્યોને બચાવવાની કામગીરી આજે સવારે પણ ચાલુ હતી. એક અન્ય અહેવાલ મુજબ, સાગર ભૂષણ નામનું એક ત્રીજું બાર્જ પણ ત્યાં લાંગરેલું હતું. આમ, ત્રણેય બાર્જ મળીને 434 જણ ફસાયા હતા. એમને બચાવવાની કામગીરી નૌસૈનિકોએ આરંભી હતી. બાર્જ પરના કામદારો સરકાર હસ્તકની ઓએનજીસી કંપની માટે કામ કરતા હતા.

વાવાઝોડાની અસરને કારણે દરિયો તોફાની બન્યો હતો. એવા પડકારજનક સંજોગોમાં નૌસૈનિકોએ બચાવ કામગીરી હાથ ધરી હતી. આ કામગીરી માટે નૌકાદળે તેના ત્રણ યુદ્ધજહાજો – આઈએનએસ કોલકાતા, આઈએનએસ કોચી અને આઈએનએસ તલવાર તથા હેલિકોપ્ટરની મદદ લીધી હતી. રાતે 11 વાગ્યા સુધીમાં 60 જણને બચાવી લેવાયા હતા. મુંબઈ સમુદ્રકાંઠેથી 8 દરિયાઈ માઈલ દૂરના અંતરે આવેલા બોમ્બે હાઈ વિસ્તારમાંના હીરા તેલ ક્ષેત્રમાં રહેલા બાર્જ પરથી મદદનો SOS સંદેશો આવ્યો હતો. એની પર 273 જણ હતા.