મુંબઈઃ માંસાહારી ખાદ્યપદાર્થોની જાહેરખબરો પર પ્રતિબંધ મૂકવાની દાદ ચાહતી જૈન ટ્રસ્ટ દ્વારા નોંધવામાં આવેલી પીટિશન પર સુનાવણી કરવાનો મુંબઈ હાઈકોર્ટે આજે ઈનકાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું કે અરજદારો આવા પ્રતિબંધની માગણી કરીને બીજાં લોકોનાં અધિકારો પર અતિક્રમણ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
By A.Savin – Own work, FAL, https://commons.wikimedia.org/w/index.php?curid=47966332
જનહિતની અરજીમાં કોર્ટને એવી વિનંતી કરવામાં આવી હતી કે તે મહારાષ્ટ્ર સરકારને હૂકમ કરે કે સરકાર પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં માંસ અને માંસાહારી ઉત્પાદનોની જાહેરખબરો દર્શાવવા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ બહાર પાડે. અરજદારોમાં ત્રણ જૈન ચેરિટેબલ ટ્રસ્ટ અને જૈનધર્મ પાળતા એક મુંબઈનિવાસીનો સમાવેશ થાય છે. એમણે એવો દાવો કર્યો હતો કે એમનાં બાળકો સહિતનાં પરિવારજનોને માંસાહારી ઉત્પાદનોની જાહેરખબર જોવાની ફરજ પાડવામાં આવે છે.
ચીફ જસ્ટિસ દિપંકર દત્તા અને ન્યાયમૂર્તિ માધવ જામદારની વિભાગીય બેન્ચે એમ ઠરાવ્યું હતું કે કોર્ટ માત્ર એવી જ બાબતમાં હસ્તક્ષેપ કરી શકે જેમાં નાગરિકોનાં અધિકારોનું ઉલ્લંઘન કરાયું હોય.
અરજદારોના વકીલે ન્યાયાધીશોને એવું કહીને સમજાવવાની કોશિશ કરી હતી કે અમે માંસાહારી ખાદ્યપદાર્થો ખાવા પર પ્રતિબંધ મૂકવાની માગણી નથી કરતાં, પરંતુ ટેલિવિઝન પર અને અખબારોમાં એની જાહેરખબરો છાપવા પર પ્રતિબંધ મૂકવાની માગણી કરીએ છીએ. માંસાહાર ફૂડનો પ્રચાર કરવો ન જોઈએ.
ત્યારે ન્યાયાધીશોએ કહ્યું હતું કે, તમે આવો પ્રતિબંધ મૂકવાની માગણી કરીને બીજાં લોકોનાં માંસાહારી ચીજો ખાવાના અધિકારો પર અતિક્રમણ કરી રહ્યા છો. તમને જો એવી જાહેરખબર પસંદ ન હોય તો ટીવી બંધ કરી દેવાનું.