દેશવિરોધી પ્રવૃત્તિ: થાણેમાંથી પીએફઆઈના 4 કાર્યકરની ધરપકડ

મુંબઈઃ કથિતપણે દેશવિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ પોલીસે પડોશના થાણે જિલ્લામાં જુદે જુદે સ્થળેથી પોપ્યૂલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ)ના ચાર કાર્યકર્તાની ધરપકડ કરી છે. સ્થાનિક પોલીસ તથા ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ ગઈ કાલે રાતે સાથે મળીને હાથ ધરેલા ઓપરેશનમાં આ ધરપકડ કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના ઔરંગાબાદ, સોલાપુર, અમરાવતી, પુણે અને મુંબઈ જેવા અન્ય શહેરોમાંથી પણ પોલીસે પીએફઆઈ સાથે સંપર્ક ધરાવનાર 40 જેટલા લોકોની ધરપકડ કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સી એનઆઈએ તરફથી મળેલી માહિતીના આધારે મહારાષ્ટ્રના દરેક શહેરના પોલીસ વિભાગોએ પીએફઆઈ વિરુદ્ધ ઓપરેશન હાથ ધર્યું છે.

પીએફઆઈની સ્થાપના 2006માં કરવામાં આવી હતી. ભારતમાં વંચિત વર્ગોનાં લોકોના સશક્તિકરણ માટે આ સંસ્થાની રચના કરવામાં આવી હતી, પરંતુ તે કટ્ટર ઈસ્લામવાદને ઉત્તેજન આપતી હોવાનો પોલીસતંત્રોનો આરોપ રહ્યો છે.