શું આપ જાણો છો ધરતી પર કેટલી કીડીઓ છે?I દંગ રહી જશો…

નવી દિલ્હીઃ ધરતી પર કુદરતમાં અલગ-અલગ પ્રકારના કેટલાય જીવ છે. માણસો સિવાય ધરતી પર તમામ પ્રકારની પ્રજાતિઓ માલૂમ પડી છે. આમાં એક છે કીડી. કહેવત પણ છે કે એકતા કે શિસ્ત શીખવી હોય તો કીડી પાસેથી શીખો, પણ તમે ક્યારેય વિચાર્યું છે કે ધરતી પર કીડીઓની સંખ્યા કેટલી છે?  જોકે આનો જવાબ વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો છે. વૈજ્ઞાનિકોએ હાલમાં જ એક સંશોધન કર્યું હતું, જેમાં તેમણે કીડીઓની વસતિને લઈને ચોંકાવનારો દાવો કર્યો હતો. આ અંદાજ વિશ્વના વિવિધ ભાગોમાં આશરે 489 અભ્યાસ કર્યા પછી કરવામાં આવ્યો છે.

ધ કન્વર્સેશનમાં પ્રકાશિત એક શોધ અનુસાર ધરતી પર બે લાખ ખર્વ અથવા બે કરોડ અબજ અર્થાત્ 20,000 મિલિયન મિલિયન – બે પછી 16 ઝીરો જેટલી આશરે કીડીઓ છે. કીડીઓની 15,700થી વધુ પ્રજાતિઓ ઉપ-પ્રજાતિઓ છે. હજી કેટલીય અન્ય કીડીઓને વૈજ્ઞાનિકો દ્વારા નામ પણ નથી અપાયાં. વૈજ્ઞાનિકોએ અંદાજ માંડ્યો છે કે વિશ્વભરની કીડીઓ આશરે 12 મિલિયન ટન શુષ્ક કાર્બનનું સામૂહિક રીતે નિર્માણ કરે છે. આ બધાં જંગલી પક્ષીઓ અને જંગલી સ્તનધારીઓથી વધુ છે. એ ધરતી પર માણસોના કુલ વજનના પાંચમા હિસ્સા બરાબર છે.કીડીઓના સારા સામાજિક સંગઠને એમને વિશ્વના આશરે બધાં ક્ષેત્રોમાં નિવાસ કરવા કાબેલ બનાવ્યા છે.

જાણીતા જીવવિજ્ઞાની એડવર્ડ ઓ. વિલ્સને કહ્યું હતું કે કીડી અને અન્ય નાના જીવો, જે વિશ્વને ચલાવે છે. તેઓ સાચા હતા. કીડીઓ કુદરતનો એક મહત્ત્વનો એક ભાગ છે. કીડીઓ માટીને હવા આપે છે બીજોને ફેલાવે છે. કાર્બનિક પદાર્થોને તોડે છે. અન્ય પ્રાણીઓ માટે આવાસ બનાવે છે અને ખાદ્ય શૃંખલાનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો છે.