શિન્ઝો આબેના અંતિમસંસ્કારમાં પીએમ મોદી ઉપસ્થિત રહ્યા

ટોક્યોઃ જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેના આજે ટોક્યોમાં યોજવામાં આવેલા અંતિમસંસ્કારમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વના 700 જેટલા મહાનુભાવોની સાથે હાજરી આપી હતી. અંતિમવિધિ ટોક્યોમાં નિપ્પોન બુડોકન હોલમાં યોજવામાં આવી હતી. અંતિમવિધિ વખતે ઉપસ્થિત રહેનાર મોદી ઉપરાંત વિદેશી મહાનુભાવમાં યૂએસ ઉપપ્રમુખ કમલા હેરીસ, સિંગાપોરના વડા પ્રધાન લી સીન્ગ લૂંગ, ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની ઓલ્બેનીઝ વગેરેનો સમાવેશ થાય છે. જાપાનના વડા પ્રધાન ફુમિઓ કિશિદાએ અંતિમવિધિની આગેવાની લીધી હતી. મોદી સહિત તમામ નેતાઓએ દિવંગત નેતા આબેને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

67-વર્ષના આબે જાપાનના સૌથી લાંબી મુદત સુધી વડા પ્રધાન પદ સંભાળનાર નેતા હતા. ગઈ 18 જુલાઈએ જાપાનના નારા શહેરમાં તેઓ એક ચૂંટણી સભામાં ભાષણ કરી રહ્યા હતા ત્યારે એક શખ્સે એમને પાછળથી ગોળી મારી હતી જેને કારણે આબેનું મૃત્યુ થયું હતું. હુમલાખોરનું નામ તેત્સુયા યામાગામી છે અને તે 41 વર્ષનો છે. પોલીસે એને તરત જ પકડી લીધો હતો. આબેએ આરોગ્યના કારણસર 2020માં વડા પ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું. તેઓ 2006-2007થી અને ત્યારબાદ 2012-20 સુધી, એમ બે વાર વડા પ્રધાન બન્યા હતા.