પાકિસ્તાનમાં લશ્કરી હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્તઃ 6 સૈનિકનાં મરણ

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના હરનાઈ વિસ્તારમાં બળવાખોરોએ પાકિસ્તાન લશ્કરનું એક હેલિકોપ્ટર તોડી પાડતાં મેજર દરજ્જાના બે અધિકારી સહિત છ સૈનિકનું મરણ નિપજ્યું છે. આ દુર્ઘટના આજે સવારે બની હતી. મૃતકોમાં બે પાઈલટનો પણ સમાવેશ થાય છે.  બલુચિસ્તાનમાં છેલ્લા બે મહિનામાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થવાની આ બીજી ઘટના છે. ગયા ઓગસ્ટમાં બનેલી આવી જ એક ઘટના બની હતી. તે વખતે હુમલાની જવાબદારી બલુચિસ્તાન લિબરેશન સંગઠને લીધી હતી. તેથી આજની દુર્ઘટનામાં પણ એનો જ હાથ હોવાની શંકા સેવાય છે.

(પ્રતીકાત્મક તસવીર)

આ દુર્ઘટના વિશે પાકિસ્તાન લશ્કરે કોઈ સત્તાવાર માહિતી આપી નથી. પરંતુ દુર્ઘટનાની તપાસ ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવી હોવાનો અહેવાલ છે. ગઈ 1 ઓગસ્ટે બલુચિસ્તાનના લાસબેલા જિલ્લામાં બળવાખોરોએ પાકિસ્તાન લશ્કરનું એક હેલિકોપ્ટરને તોડી પાડ્યું હતું. એમાં લેફ્ટેનન્ટ જનરલ સરફરાઝ અલી તથા બીજા છ અધિકારી માર્યા ગયા હતા. શરૂઆતમાં તે એક અકસ્માત હોવાનું કહેવાયું હતું, પરંતુ બીજા દિવસે બલુચ બળવાખોરોએ તે હેલિકોપ્ટરને તોડી પાડ્યાનો દાવો કર્યો હતો.