અભિનેત્રી ઉર્મિલા માતોંડકર કોંગ્રેસમાં જોડાઈ; રાહુલે એનું પાર્ટીમાં સ્વાગત કર્યું

નવી દિલ્હી – બોલીવૂડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર આજે અહીં કોંગ્રેસના મુખ્યાલય ખાતે પક્ષપ્રમુખ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થઈ છે. એને કદાચ મુંબઈ-ઉત્તર લોકસભા બેઠક માટે પાર્ટીની ઉમેવાદર જાહેર કરાય એવી ધારણા છે.

રાહુલ ગાંધીએ પુષ્પગુચ્છ આપીને ઉર્મિલાનું સ્વાગત કર્યું હતું.

એ પ્રસંગે મુંબઈ પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ મિલિંદ દેવરા, પક્ષનાં પ્રવક્તાઓ પ્રિયંકા ચતુર્વેદી અને રણદીપ સુરજેવાલા ઉપસ્થિત હતાં.

45 વર્ષીય ઉર્મિલાએ ઈસ્લામ ધર્મ અપનાવ્યો છે. એ તેનાથી ઉંમરમાં 9 વર્ષ નાના કશ્મીરી વેપાર મોહસીન અખ્તર મીરને પરણી છે અને પોતાનું નામ મરિયણ અખ્તર મીર ધારણ કર્યું છે.

ઉર્મિલાએ પોતાને પાર્ટીમાં સામેલ કરવા બદલ રાહુલ તથા અન્યોનો આભાર માન્યો છે. એણે કહ્યું કે, ‘ઉષ્માભર્યાં વેલકમ માટે હું કોંગ્રેસપ્રમુખ રાહુલજીની આભારી છું. આજનો દિવસ મારે માટે મહત્ત્વનો છે, કારણ કે મેં સક્રિય રાજકારણમાં પહેલું પગલું માંડ્યું છે. મારું વ્યક્તિત્વ અને વિચારધારા મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ પર આધારિત છે. હું કાયમ આઝાદી, આપણા બંધારણ તથા આપણી લોકશાહીનાં મૂલ્યો વિશે શીખી છું. આજે લોકોનાં મનમાં ઘણાં પ્રશ્નો મુંઝવી રહ્યા છે અને એટલા માટે જ હું રાજકારણમાં જોડાઈ છું.’

ઉર્મિલાનાં રાજકારણ પ્રવેશ સાથે જ મુંબઈ મહાનગરનું રાજકારણ રંગીલું બને એવી ધારણા છે.

કોંગ્રેસ પાર્ટી ઉર્મિલાને લોકસભાની ચૂંટણીમાં મુંબઈ-ઉત્તર બેઠક માટે ઉમેદવાર જાહેર કરે એવા અહેવાલ છે.

મુંબઈ-ઉત્તર બેઠક માટે શાસક ભારતીય જનતા પાર્ટીએ ગોપાલ શેટ્ટીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. શેટ્ટીએ 2014ની ચૂંટણીમાં સંજય નિરુપમને પરાજય આપ્યો હતો. 2009ની ચૂંટણીમાં સંજય નિરુપમ કોંગ્રેસની ટિકિટ પરથી જીત્યા હતા.

મુંબઈ-ઉત્તર બેઠકમાં ગુજરાતીઓની ખાસ્સી એવી વસ્તી છે.

ઉર્મિલા કોંગ્રેસમાં જોડાશે? એવા અહેવાલો અંગે કંઈ પણ કહેવાનો ઉર્મિલાનાં પરિવારજનો તેમજ મહારાષ્ટ્ર કોંગ્રેસનાં પ્રવક્તાઓએ ગઈ કાલે ઈનકાર કર્યો હતો. મુંબઈ કોંગ્રેસના પ્રમુખપદેથી જેમને હટાવી દેવામાં આવ્યા છે તે સંજય નિરુપમે પણ આ અંગે કોઈ કમેન્ટ કરવાની ના પાડી દીધી હતી.

મુંબઈમાં લોકસભાની કુલ 6 સીટ છે. મુુંબઈમાં 29 એપ્રિલે મતદાન થવાનું છે. મહારાષ્ટ્રમાં લોકસભાની કુલ 48 બેઠકો છે અને રાજ્યમાં ચાર તબક્કામાં મતદાન થશે. 29 એપ્રિલે મુંબઈ ઉપરાંત અન્ય 17 બેઠકો માટે પણ મતદાન થશે.

ઉર્મિલા માતોંડકરે 1980માં ‘માસુમ’ ફિલ્મમાં બાળકલાકાર તરીકે ભૂમિકા કરીને બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી.

રામગોપાલ વર્મા દિગ્દર્શિત ‘રંગીલા’ ફિલ્મ ઉર્મિલાની કારકિર્દીમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી અને તે મુખ્ય અભિનેત્રી તરીકે પોતાને સ્થાપિત કરવામાં સફળ રહી હતી. ત્યારબાદ એ જુદાઈ, સત્યા, કૌન, ભૂત, મસ્ત, દિલ્લગી, જંગલ જેવી ફિલ્મોમાં પણ અભિનેત્રી તરીકે ચમકી હતી.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પાર્ટીએ 2014ની લોકસભા ચૂંટણી વખતે અભિનેતા ગોવિંદાને મેદાનમાં ઉતાર્યો હતો અને એણે ભાજપના અનુભવી નેતા અને તે વખતના કેન્દ્રીય પ્રધાન રામ નાઈકને પરાજય આપ્યો હતો. રામ નાઈક હાલ ઉત્તર પ્રદેશના ગવર્નર છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]