RBIએ 60 જાયન્ટ કંપનીઓ માટે નક્કી કરી બેંક લોનની નવી લિમિટ

નવી દિલ્હી- બિઝનેસ ગ્રુપની કંપનીઓએ 1 એપ્રિલથી રીઝર્વ બેંકની એક કંપની માટે બેંક લોન નક્કી કરેલી મર્યાદા સાથે તાલમેલ મેળવવો પડશે. નવા નિયમોની કારણે રીલાયન્સ, ટાટા, બજાજ અને આદિત્ય બિરલા ગ્રુપની કંપનીઓએ ફંડ મેળવવા માટે બેંકો ઉપરાત અન્ય સ્ત્રોત શોધવાની જરૂર પડશે. આરબીઆઈના નવા નિયમમાં કહેવામાં આવ્યું છે કે, જે કંપનીઓ પર 10 હજાર કરોડથી વધુની લોન છે, તેમણે તેનાથી ઉપરની 50 ટકા રકમની સગવડ બોન્ડ કે શેર બજારમાંથી કરવી પડશે.

બેંકોનું જોખમ ઘટાડવાનો પ્રયત્ન

રીઝર્વ બેંકે બેંકિંગ સિસ્ટમનું જોખમ ઓછું કરવા માટે આ નિયમ બનાવ્યો છે. તેમનું માનવું છે કે, એક જ ગ્રુપની કંપનીઓને મોટા પ્રમાણમાં લોન આપવાના કારણે બેંકો માટે જોખમ ઘણુ વધી ગયું છે. રીઝર્વ બેંકે આ જોખમને ઘટાડવાની શરુઆત નાણાકીય વર્ષ 2017-18માં કરી હતી. તે સમયે તેમણે એક એન્ટિટી માટે 25 હજાર કરોડની લિમિટ નક્કી કરી હતી. ત્યારબાદ નાણાંકીય વર્ષ 2018-19માં તેમાં ઘટાડો કરીને 15 હજાર કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી હતી. અને હવે નવા નાણાકીય વર્ષ માટે આ રકમમાં ઘટાડો કરતા 10 હજાર કરોડ કરી નક્કી કરી દીધી છે.

60 કંપનીઓ પર થશે નવા નિયમોની અસર

ક્રિસિલ રેટિગ્સના સિનિયર ડાયરેક્ટર સોમશેખર વેમુરીના જણાવ્યા અનુસાર નવા નિયમોની અસર 60 મોટી કંપની પર પડશે. જોકે, તેમણે એમ પણ કહ્યું કે, આ તમામ કંપનીઓ બજારમાંથી ફંડ મેળવવા સક્ષમ છે.

રીઝર્વ બેંકે કહ્યું કે, જો બેંકોએ કોઈ પણ કંપનીને લોન આપવાની સાથે સાથે તેમના બોન્ડ પણ ખરીદ્યા હશે તો સરેરાશ લિમિટમાં તેની પણ ગણતરી કરવામાં આવશે. જો બોન્ડની સાથે લોનની રકમ આરબીઆઈની નક્કી કરેલી મર્યાદાથી વધુ હશે તો, બેંકોએ તેમને માર્ચ 2021 સુધીમાં નક્કી કરેલી મર્યાદાની અંદર લાવવાની રહશે.

બેંકોએ કહ્યું રીઝર્વ બેંક સિસ્ટમથી આ નવો નિયમ લાગુ કરી રહી છે, જેથી બેંકિંગ સિસ્ટમમાં કોઈ ઉથલપુથલ નહીં મચે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઘણી બધી કંપનીઓ છેલ્લા લાબાં સમયથી માર્કેટમાંથી ફંડ એકત્ર કરી રહી છે. જેમાં સ્ટીલ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેલિકોમ સેક્ટરની સરકારી અને ખાનગી ક્ષેત્રની કંપનીઓનો સમાવેશ થાય છે.