‘ભાજપ-શિવસેનાનો સંબંધ આમિર ખાન-કિરણ રાવ જેવો છે’

મુંબઈઃ શિવસેના પાર્ટીના નેતા અને રાજ્યસભાના સદસ્ય સંજય રાઉતે એમની પાર્ટી અને સત્તાના ભૂતપૂર્વ ભાગીદાર ભારતીય જનતા પાર્ટી વચ્ચેના સંબંધની સરખામણી ગયા શનિવારે છૂટાછેડાની જાહેરાત કરનાર અભિનેતા આમિર ખાન અને એની પત્ની કિરણ રાવ વચ્ચેના સંબંધ સાથે કરી છે.

ભાજપ અને શિવસેના એકબીજાના દુશ્મન નથી એવા ભાજપના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કરેલા નિવેદન સામે સંજય રાઉતે આજે ઉપર મુજબના પ્રત્યાઘાત આપ્યા છે. રાઉતે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, અમે બેઉ પાર્ટી કંઈ ભારત-પાકિસ્તાન નથી. આમિર ખાન અને કિરણ રાવને જુઓ. અમારી બેઉ પાર્ટી વચ્ચેનો સંબંધ એમના જેવો જ છે. અમારા રાજકીય રસ્તા અલગ છે, પણ મિત્રતા કાયમ રહેશે.